Ahmedabad,તા.૨૭
મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ગુરુવારે દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા,છત્તીસગઢ, બિહાર, અને દિલ્હી એમ ઈડીની ટીમોએ કુલ ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા છે, જેને લઈને મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં હડકંપ મચી ગયો છે.
ઈડીની આ કાર્યવાહી ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. આ એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકારી અધિકારીઓને કેટલીક મેડિકલ કોલેજો દ્વારા મોટી લાંચ આપવામાં આવી હતી. નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓનો પણ તેમાં સમાવેશ થાય છે.
કોલેજોના ઇન્સ્પેક્શન સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે આ લાંચ આપવામાં આવી હતી. આ ગુપ્ત માહિતી કોલેજોના મુખ્ય સંચાલકો અને વચેટિયાઓને પહોંચાડવામાં આવતી હોવાનો આરોપ છે. , આરોપીઓ ઇન્સ્પેક્શનના માપદંડોમાં આ માહિતીનો ઉપયોગ કરીને છેડછાડ કરી શકતા હતા બાદમાં સરળતાથી તેમની મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે મંજૂરી મેળવી લેતા હતા.
દેશના શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારને આ કૌભાંડ ઉજાગર કરે છે, દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર પણ તેને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વિવિધ રાજ્યોમાં આવેલી સાત મેડિકલ કોલેજોના પરિસરનો ઈડી દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં સમાવેશ થાય છે.
આ ઉપરાંત,સીબીઆઇની એફઆઇઆરમાં જે ખાનગી વ્યક્તિઓ ના નામ છે, તેમના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિઓએ લાંચના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર મોટી તવાઈનો એક ભાગ ઈડીની આ કાર્યવાહી છે, જેનો હેતુ ગેરકાયદેસર નાણાંના પ્રવાહને ઉજાગર કરવાનો અને કોલેજ સંચાલકોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.

