Ahmedabad, તા.1
ગુજરાતમાં હવે 2030માં કોમનવેલ્થ ગેમ રમવાનું નિશ્ચિત થઇ ગયું છે તે સમયે રાજય સરકારે આ મહાખેલ આયોજન માટે એક ખાસ નોટ ફોર પ્રોફીટ કંપની સ્થાપવાનો નિર્ણય લીધો છે અને તેના વડા તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હશે.
ખાસ કરીને કોમનવેલ્થ ગેમમાં જે રીતે 2010માં દિલ્હીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ હતા અને આયોજનમાં પણ અનેક ક્ષતિઓ જોવા મળી હતી તેમાંથી બોધપાઠ લઇને ગુજરાતમાં કોમનવેલ્થનું આયોજન શ્રેષ્ઠ અને સ્વચ્છ રહે તે માટે રાજય સરકારે કંપની એકટ 2013 મુજબ નોટ ફોર પ્રોફીટ કંપની સ્થાપવા નિર્ણય લીધો છે.
સરકારના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આ કંપનીના વડા તરીકે નાયબ મુખ્યમંત્રી તથા ખેલકૂદ અને સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા હર્ષ સંઘવી કરશે અને તેમાં એક વખત આયોજન પુરૂ થયા બાદ આ કંપનીનું વિસર્જન કરાશે અથવા તો તેને એક કાયમી કોર્પોરેટમાં ફેરવી શકાશે.
રાજય સરકારે આ માટે તૈયારી કરી દીધી છે. સમગ્ર આયોજનમાં પ્રારંભથી જ જોડાયેલા રાજયના ખેલકૂદ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે સમગ્ર આયોજનમાં એક જે કમીટી નિમાશે તે જ આ કોમનવેલ્થ-2030નું આયોજન કરશે.
આ માટેનું એક ફ્રેમવર્ક કરી તૈયાર કરાઇ ગયું છે અને રાજય સરકારે તે માટે કાનુની સહિતના મુદાઓની પણ ચકાસણી કરી લીધી છે. આ નવી કંપનીમાં 15 ડિરેકટર હશે જેમાં કોમનવેલ્થ ગેમ એસોસીએશન ઇન્ડિયા, પેરા ઓલિમ્પિક કમીટી, કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ રહેશે અને તેમાં કોમનવેલ્થ આયોજનોના તમામ મંજૂરી તેને આધીન રહેશે.
જેમાં એક સીઇઓ પણ રહેશે. ભુતકાળમાં દિલ્હીમાં જે રીતે કોંગે્રસ સરકાર સમયે કોમનવેલ્થનું આયોજન થયું હતું તેમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો મુદો બની ગયો હતો પરંતુ રાજય સરકાર 2030 જ નહીં ર036ના ઓલિમ્પિક આયોજનમાં પણ બેનમુન તૈયારીઓનું મોડલ રજૂ કરશે.

