Ranchi,તા.1
દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન) ફટકારીને ભારતને 17 રને વિજય અપાવનાર સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના સંભવિત પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસી અંગેની અટકળોને રદિયો આપતા કોહલીએ ભારપૂર્વક જણાવ્યું કે તે ભારત માટે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો 0-2થી ક્લીન સ્વીપ થયા બાદ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાં ફરી જોડાવાની અટકળો વધી હતી, જેના પર હવે ખુદ કોહલીએ સ્પષ્ટતા આપી છે.
રાંચીમાં રમાયેલી વનડેમાં વિરાટ કોહલીએ 120 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 135 રન બનાવ્યા હતા. તેની શાનદાર સદીના આધારે ભારતે 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. કોહલીને તેના આ પ્રદર્શન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચ પછીની પ્રેઝન્ટેશન સેરેમનીમાં જ્યારે વિરાટ કોહલીને તેના ભવિષ્યના ક્રિકેટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ટેસ્ટમાં વાપસીની અટકળોનો અંત લાવ્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ફક્ત એક જ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે, ત્યારે તેણે કહ્યું, ‘હા, તે હંમેશા આવું જ રહેશે. હું ફક્ત એક જ ફોર્મેટ રમી રહ્યો છું.’
ભારતીય બેટર વિરાટ કોહલીએ કહ્યું કે, ‘મેં 300થી વધુ વન-ડે રમી છે અને મારી પાસે 15-16 વર્ષનો અનુભવ છે. જો તમે રમત સાથે જોડાયેલા છો, અને તમે પ્રેકિ્ટસ દરમિયાન બોલ ફટકારી રહ્યા છો, તો તમારા રિફ્લેક્સ સારા છે. જો તમે દોઢ કે બે કલાક સુધી નેટમાં રોકાયા વિના બેટિંગ કરી શકો છો, તો તમારી ફિટનેસ સારી છે.’

