Mumbai,તા.1
ફિલ્મ બનાવવાના નામે ઉદયપુરના જાણીતા ડોકટર સાથે રૂા.30 કરોડની છેતરપીંડીના કેસમાં બોલિવુડના જાણીતા ફિલ્મ ડાયરેકટર વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી સહિત 6 આરોપીઓનો નોટિસ મોકલવામાં આવતા ચકચાર મચી છે.
મામલાની તપાસ કરી રહેલી પોલીસે કહ્યું હતું કે બધાને તેમના મુંબઈ સ્થિત નિવાસે નોટિસ મોકલી 8 ડિસેમ્બર સુધીમાં ઉદયપુર પોલીસ સામે હાજર થવાનું કહેવામાં આવ્યુ છે. હાજર નહી થવા પર પોલીસ એકશન લેશે. બીજી બાજુ આ મામલામાં વિક્રમ ભટ્ટના કો-પ્રોડયુસર મહેબૂબ અંસારી અને સંદીપ વિશ્વનાથ ત્રિભુવન 1 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે.
આ અંગેની વિગત એવી છે કે 200 કરોડ રૂપિયાની કમાણીની લાલચ ઉદયપુરના ઈન્દિરા આઈવીએફના માલિક ડો.અજય મુડિયા (પીડિત)ને વિક્રમ ભટ્ટ અને તેમના સાથીઓએ આપી હતી અને ફિલ્મ નિર્માણ માટે 30 કરોડ રૂપિયા લીધા હતા. આ મામલે ડોકટરે છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે.
આ કેસમાં છેતરપીંડીના ખુલાસા બાદ ડાયરેકટર વિક્રમ ભટ્ટ પર ધરપકડની તલવાર લટકી રહી છે. ભટ્ટે ધરપકડથી બચવા બોમ્બે હાઈકોર્ટમાં ટ્રાન્ઝીટ બેલ (જામીન) માટે અરજી લગાવી છે.
વિક્રમ ભટ્ટ સામે આરોપ છે કે ડો.અજય મુડિયા પાસેથી આરોપીઓએ 4 ફિલ્મોના નિર્માણ માટે ઓનલાઈન 44.29 કરોડ રૂપિયા લીધા હતા. આમાં ચોથી ફિલ્મ `મહારાણા’ (પરવર્તિત નામ રણ)ના નિર્માણનો કરાર 25 કરોડ રૂપિયામાં થયો હતો, જેનું શુટીંગ પણ હજુ શરૂ નથી થયુ. લગભગ 30 કરોડની છેતરપીંડી થઈ છે.
પોલીસે ફરિયાદી ડોકટર અને વિક્રમ ભટ્ટ વચ્ચે ડીલ કરાવનાર ઉદયપુરના દિનેશ કટારિયાની તલાશમાં લાગી છે. આ કેસમાં વિક્રમ ભટ્ટની દિકરી કૃષ્ણા સહિત અન્ય આરોપીઓમાં પત્ની શ્વેતાંબરી, મુદીત બરટ્ટાન, ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ, ડીએસસી ચેરમેન, ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોઈઝ મુંબઈ અને અશોક દુબે જનરલ સેક્રેટરી, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ પણ આરોપી છે.

