Mumbai,તા.01
જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ અને ફિલ્મ ડિરેક્ટર રાજ નિદિમોરુ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત સદગુરુના ઈશા ફાઉન્ડેશનના લિંગા ભૈરવી મંદિરમાં પહેલી ડિસેમ્બરે સવારે લગ્નવિધિ સંપન્ન થઈ હતી. તેઓ પરિવારજનો સાથે રવિવારે સાંજે જ કોઇમ્બતુર પહોંચી ગયા હતા.
સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ વચ્ચેના સંબંધોની ચર્ચા વર્ષ 2024ની શરૂઆતથી ચાલી રહી હતી. સામંથાએ ઇન્સ્ટાગ્રામ ફિડ પર રાજ નિદિમોરુને પાર્ટનર ગણાવીને તેમના સંબંધનો સંકેત આપ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં આ સંબંધની પુષ્ટિ કરી નહોતી.
સામંથા અને રાજ વેબ સિરીઝ ધ ફેમિલી મેન સિઝન 2 અને સિટાલડેલ: હની બન્નીમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય પણ કેટલાક પ્રોજેક્ટમાં તેઓ સાથે કામ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ અગાઉ નગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. તેઓ 2017થી 2021 સુધી રહ્યા હતા અને બાદમાં છૂટાછેડા લીધા હતા. તો રાજ નિદિમોરુએ 2015માં શ્યામલી દે સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 2022 સુધી સાથે હતા અને બાદમાં છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી નગા ચૈતન્યે પણ ડિસેમ્બર 2024માં પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં શોભિતા ધુલિપલા સાથે લગ્ન કર્યા હતા.

