Israel,તા.01
વિરોધી દેશો પર તાબડતોડ હુમલા કરનારા ઈઝરાયલના વડાપ્રધાન ભ્રષ્ટાચારના મામલે એવા ઘેરાયા છે કે, હવે તેઓ રાષ્ટ્રપતિ પાસે ‘ક્ષમાદાન’ માગી રહ્યા છે. પોતાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ પર રોક લગાવવા માટે તેમણે રાષ્ટ્રપતિને માફ કરવા માટે વિનંતી કરી છે. નેતન્યાહૂ ઈઝરાયલના એવા વડાપ્રધાન છે જેમની સામે કેસ ચાલી રહ્યો હોવા છતાં પદ પર છે. નેતન્યાહૂ પર વિશ્વાસઘાત, લાંચ લેવા અને પૈસાના બદલામાં ટેલિકોમ કંપનીઓ અને હોલિવૂડ પ્રોડ્યૂસર્સ પાસેથી રાજકીય સમર્થન મેળવવાનો આરોપ છે.
આ આરોપોને લઈને નેતન્યાહૂએ દેશની ન્યાય વ્યવસ્થા સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે, આ વિનંતી પ્રદેશમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનના સમયે દેશને એકજૂઠ કરવામાં મદદ કરશે. જોકે, નેતન્યાહૂના વિરોધીઓએ તરત જ તેની નિંદા કરતાં કહ્યું કે, આનાથી ઈઝરાયલની લોકશાહી સંસ્થાઓ નબળી પડશે અને એક ખતરનાક સંદેશ જશે કે તેઓ કાયદાના શાસનથી ઉપર છે. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ કાર્યાલયના કાનૂની વિભાગને માફી માટે વિનંતી કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે તેને એક અસાધારણ વિનંતી ગણાવી છે.
બેન્જામિન નેતન્યાહૂ સામે ત્રણ કેસ ચાલી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ કેસમાં તેમને દોષિત ઠેરવવામાં નથી આવ્યા. જોકે, આ કેસોના કારણે તેમની કરિયર દાવ પર લાગી છે. જો તેઓ કોઈપણ કેસમાં દોષિત સાબિત થશે, તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું પડશે. નેતન્યાહૂએ આરોપોને નકારી કાઢ્યા છે અને આ કેસની નિંદા કરતાં તેને મીડિયા, પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા તેમને ષડયંત્ર હેઠળ ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વિનંતી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈઝરાયલને નેતન્યાહૂને માફ કરવા માટે વિનંતી કર્યાના થોડા અઠવાડિયા પછી આવી છે.
આ મહિનાની શરુઆતમાં ટ્રમ્પે રાષ્ટ્રપતિ આઈઝેક હર્ઝોગને એક પત્ર પણ મોકલ્યો હતો, જેમાં ભ્રષ્ટાચારના કેસને રાજકીય અને ખોટી કાર્યવાહી ગણાવી હતી. એક વીડિયો ટેપમાં નેતન્યાહૂએ કહ્યું કે, ‘આ કેસના કારણે દેશનું વિભાજન થઈ ગયું છે અને માફી દ્વારા રાષ્ટ્રીય એકતા પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે. અઠવાડિયામાં ત્રણ વખત કોર્ટમાં રજૂ થવાની મારી અનિવાર્યતા એક એવું ધ્યાન ભટકાવનારું પગલું છે જેના કારણે મારા માટે દેશનું નેતૃત્વ કરવું મુશ્કેલ બની જાય છે.’
તેમણે કહ્યું કે, ‘કેસનું ચાલુ રહેવું એ આપણને અંદરથી તોડી નાખે છે, વિભાજિત કરે છે અને દરારને વધુ ગાઢ બને છે. દેશના અન્ય ઘણા લોકોની જેમ મને પણ વિશ્વાસ છે કે, ટ્રાયલના ઝડપી નિરાકરણથી સમાધાનને પ્રોત્સાહન મળશે, જેની આપણા દેશને ખૂબ જરૂર છે.’ જોકે, કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, માફી કેસને રોકી ન શકે. ન્યાય મંત્રાલયનાપૂર્વ ડિરેક્ટર જનરલ એમી પામોરે કહ્યું કે, ‘આ અસંભવ છે.’
તેમણે કહ્યું કે, જ્યારે કેસ ચાલી રહ્યો હોય ત્યારે તમે નિર્દોષ હોવાનો દાવો ન કરી શકો. કેસ રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે એટર્ની જનરલને કાર્યવાહી અટકાવવાનું કહેવું. વિપક્ષે નેતન્યાહૂની વિનંતી પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને રાષ્ટ્રપતિને તેમની વિનંતીનો અસ્વીકાર કરવા આગ્રહ કર્યો. વિપક્ષી નેતા યાયર લાપિડે કહ્યું કે, ‘તમે તેમને ગુનો સ્વીકાર કર્યા વિના, પસ્તાવો વ્યક્ત કર્યા વિના અને રાજકીય જીવનમાંથી તાત્કાલિક સંન્યાસ લીધા વિના માફી ન આપી શકો.’

