ભાવનગર મહાપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવામાં આવે છે તેની જેમ જ વ્યવસાય વેરો પણ વસુલવામાં આવે છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાને ગત એપ્રિલ માસથી ચાલુ નવેમ્બર માસ-ર૦રપ દરમિયાન એટલે કે છેલ્લા ૮ માસમાં વ્યવસાય વેરાની કુલ રૂા. પ.પ૬ કરોડની આવક થઈ છે અને કુલ ૮૭૩૧ કરદાતાએ વેરો ભર્યો છે. દર વર્ષે વ્યવસાય વેરાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા વ્યવસાય વેરો વસુલવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં એપ્રિલ માસથી નવા વર્ષનો વ્યવસાય વેરો સ્વિકારવામાં આવે છે, જે આસામીઓ નિયમીત વ્યવસાય વેરો ભરે છે તેઓ એપ્રિલ અને મે માસમાં વ્યવસાય વેરો ભરી દેતા હોય છે પરંતુ આ બે માસ બાદ મહાપાલિકા દ્વારા વ્યવસાય વેરો વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
મહાપાલિકાના વ્યવસાય વેરાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ બીલની બજવણી કરવામાં આવે છે અને વ્યવસાય વેરો ભરી દેવા અનુરોધ કરવામાં આવે છે. સપ્ટેમ્બર માસ સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરતા આસામીઓ પાસેથી ઓકટોબર માસથી વ્યાજ પણ વસુલવામાં આવે છે. વ્યવસાય વેરો વસુલવા હજુ કડક કાર્યવાહી કરાશે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગના ટેક્સ સુપ્રિટેન્ડન્ટ આરતી રાઠોડે જણાવેલ છે.
ભાવનગર મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગને ગત તા. ૧ એપ્રિલ-ર૦ર૪ થી ગત તા. ર૬ નવેમ્બર-ર૦રપ દરમિયાન રૂા. ૪.૯૦ કરોડની આવક થઈ હતી અને કુલ ૭૯૪૭ કરદાતાએ વેરો ભર્યો હતો. ગત વર્ષના ૮ માસની સરખામણીએ ચાલુ વર્ષે વ્યવસાય વેરા વિભાગની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં વ્યવસાય વેરા વિભાગની આવક વધશે.

