Nadiad,તા.01
નડિયાદના ભુમેલ ગામની સીમમાં ચકલાસી જવાના રોડ ઉપર ખેતરમાં ઝઘડતા શખ્સોને ખેતર માલિકે ‘અમારા ખેતરમાં કેમ ઝઘડો છો’ કહેતા પાંચ શખ્સોએે ખેતર માલિકને ‘તું અમને પૂછવા વાળો કોણ’ તેમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ભુમેલ ગામમાં રહેતા જયરાજસિંહ સબુરસિંહ રાઠોડનું મધર કેર નજીક ચકલાસી જવાના રોડ ઉપર ખેતર આવેલું છે. શનિવારે બપોરે તેમના ખેતરમાં કેટલાક લોકો અપશબ્દો બોલી ઝઘડતા હતા. જેથી જયરાજસિંહ રાઠોડે ખેતરમાં જઈ ‘અમારા ખેતરમાં તમે શું કરો છો’ તેમ કહેતા અજય મનુભાઈ પરમાર અને અન્ય શખ્સોે ‘તું અમને પૂછવા વાળો કોણ’ તેમ કહી અજય પરમારે જયરાજસિંહ રાઠોડે પહેરેલું ટીશર્ટ મોઢા પર ચડાવી દઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર મારી ધક્કા મારવા લાગતા જયરાજસિંહ રાઠોડએ બુમાબૂમ કરતા તેમના પિતા અને અનિરુદ્ધસિંહ રાજ છોડાવવા દોડી આવ્યા હતા. ત્યારે અજય પરમારે રમેશ રામાભાઈ પરમારને ડંડો મારી તેમજ અન્ય શખ્સોએ જયરાજસિંહના પિતાને તેમજ તેમને છોડાવવા વચ્ચે પડેલ લોકોને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયરાજસિંહ રાઠોડની ફરિયાદ આધારે વડતાલ પોલીસે અજયભાઈ મનુભાઈ પરમાર, ધર્મેશભાઈ દિનેશભાઈ પરમાર (બંને રહે. ભવાનીપુરા ચકલાસી) અને અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

