Ahmedabad,/Surat,તા.01
અમદાવાદ અને સુરતમાં થયેલા બે માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
સુરત શહેરમાં ઉધાન-મગદલ્લા રોડ ઉપર બનેલા માર્ગ અકસ્માતમાં એક બાઈક ચાલકનું દુઃખદ મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ યુનિવર્સિટીથી ગ્રેટ લાઈનર બ્રિજ તરફ ઉતરતી વખતે બાઈક ચાલકનું સ્ટિયરિંગ પરથી કાબૂ છૂટતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. ઘટના સમયે તેણે હેલ્મેટ ન પહેર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે લોકો એકઠા થતાં તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેને બચાવી શકાયો નહીં.
પોલિસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે નજીકના સીસીટીવી ફુટેજ સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં આ ઘટના બાદ ફરીથી ટ્રાફિક નિયમોનું પાલન અને હેલ્મેટના મહત્વ અંગે ચર્ચા શરૂ થઈ છે. બાઈક ચાલકોને સુરક્ષિત ડ્રાઈવિંગ કરવાની અપિલ કરવામાં આવી છે.
અમદાવાદના એસજી હાઇવે પર છારોડી નજીક આજે સવારના સમયે એક હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરથી પોતાની ઓફિસ તરફ જતો એક બાઇક સવાર યુવક અજાણ્યા વાહનચાલકની ટક્કરથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની તીવ્રતા એટલી વધારે હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું.પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારવામાં આવી અને ઘટનાના તરત બાદ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો. આસપાસના લોકોએ તરત જ પોલીસને જાણ કરી અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી. ટ્રાફિક પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા, હાઈવે ફૂડ પોઈન્ટ્સ અને ટોલ પ્લાઝાના ફૂટેજ ચકાસવા શરૂ કર્યા છે જેથી અકસ્માત સર્જનાર વાહન અને ડ્રાઈવર સુધી પહોંચી શકાય. પોલીસે હિટ એન્ડ રન કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર વધતા ટ્રાફિક અને બેદરકાર ડ્રાઈવિંગ અંગે ફરી એકવાર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એક વાર એસજી હાઈવેની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે લોકોને કોઈપણ ઉપયોગી માહિતી મળતી હોય તો તરત જ જાણ કરવાની વિનંતી કરી છે.
પંચમહાલના ખરખડી ગામે ડીટીઓ લખેલી કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટીડીઓની પ્રાઈવેટ ગાડી અથડાતા ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે મોડી રાત્રે લોકોના ટોળા ઉમટ્યા હતા. ટીડીઓ લખેલી કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. કાર ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો.

