Rajkot,તા.4
રાજકોટની હોસ્પીટલના કેમેરા હેક કરીને વાંધાજનક કલીપીંગ-વિડીયો વાઈરલ થયાની ઘટનાના દસ મહિના પછી પણ રાજકોટ-ગુજરાત સહિત દેશના 21000થી વધુ કેમેરા હજુ સુરક્ષિત નહી હોવાની અને હેક થવાનો ખતરો ઉભો જ હોવાની ચેતવણી અમેરિકાના સાઈબર સુરક્ષા નિષ્ણાંતે આપી છે. 777 આઈપીબેઈઝડ સીસીટીવી કેમેરા પર આ પ્રકારનું જોખમ તોળાઈ રહ્યું છે.
રાજકોટની ગાયનેકોલોજી હોસ્પીટલના કલીપીંગ-વિડીયો વાઈરલ થયા બાદ જબરો ખળભળાટ સર્જાયો હતો. ગુજરાતનુ સીસીટીવી કેમેરા નેટવર્ક જોખમ હેઠળ હોવાની આશંકા વ્યક્ત થવા લાગી હતી. હવે અમેરિકા સ્થિત સાઈબર સિકયોરીટી નિષ્ણાંતે આઈઓટી ડિવાઈઝમાં 777 આઈપી બેઈઝડ કેમેરા વિશે ચેતવણી આપી છે.
આ સીસીટીવી કેમેરા હેક થવાનો ખતરો છે. આ કેમેરાના નબળા પાસાના આધારે હેકરોએ ગત ફેબ્રુઆરી મહિનામાં માત્ર 80 પ્રાઈવેટ, ઈન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) આધારીતી સીસીટીવી કેમેરા ડેશબોર્ડ પરથી 50,000 ખાનગી સ્લીપ મેળવી લીધી હતી. અને તે પછી ટેલીગ્રામ ગ્રુપ તથા પોર્ન નેટવર્કમાં વેચાણ મુકી હતી.
સાઈબર સિકયુરીટી પર વોચ રાખતા નિષ્ણાંતોએ એમ જણાવ્યું હતું કે આ જોખમનો ગુજરાતનો એક નાનકડો ભાગ છે.દેશભરમાં 21444 સીસીટીવી કેમેરા પર હેકીંગનો ખતરો છે.ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી રાજયમાં ઓપન ઈન્ટરનેટ પર વીઝીબલ થતા 777 આઈપી કેમેરા પર હેકીંગનો જોખમ ઉભુ જ છે.આવા સૌથી વધુ 399 આઈપી કેમેરા અમદાવાદમાં છે. વડોદરામાં 87, સુરતમાં 166, રાજકોટમાં 33, ભાવનગરમાં 24 તથા ગાંધીનગરમાં 20 છે.
રાજકોટમાં સીસીટીવી કેમેરાનાં હેકીંગની ઘટના બાદ દેશના અન્ય રાજયોમાં પણ આ પ્રકારે કેમેરા હેક થયાનું તપાસમાં બહાર આવ્યું હતું અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
ગુજરાત સહીત સમગ્ર દેશમાં સાઈબર ફ્રોડના કેસોમાં સતત વધારો થઈ જ રહ્યો છે. અને સેંકડો લોકો તેનો શિકાર બનીને કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. સાઈબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સરકાર ભરચકક પ્રયાસ કરી જ રહી છે. છતાં સાઈબર ઠગાઈના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
તેવા સમયે સીસીટીવી કેમેરા હેકીંગનાં જોખમ વિશે નવી ચેતવણી લોકો તથા સાઈબર નિષ્ણાંતો માટે નવો પડકાર બની શકે છે.ગુનાખોર, રોકવાથી માંડીને અનેક કારણોસર સીસીટીવી લગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જયારે હેકીંગનુ જોખમ પડકારજનક બની શકે છે.

