Ahmedabad, તા.4
અમદાવાદ શહેરમાં બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ધમધમતી 16 હોસ્પિટલ, 2 બેન્ક્વેટ હોલ અને 10 શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરવામાં આવી હતી. એક જ દિવસમાં શહેરની 1200થી વધારે હોસ્પિટલોની ચકાસણી પણ મ્યુનિ. કોર્પોરેશને કરી છે.
મનપા દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં (બોપલ, જુહાપુરા, સરખેજ, સાઉથ બોપલ) સૌથી વધુ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીલ કરાયેલી 16 હોસ્પિટલોમાંથી 10 હોસ્પિટલો માત્ર આ એક જ ઝોનમાં આવેલી છે.
નોસિન હોસ્પિટલ (જુહાપુરા), મુસ્કાન મેટરનિટી હોમ (જુહાપુરા), હેપિનેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ (જુહાપુરા), મમતા હોસ્પિટલ (બોપલ), દ્વારકા હોસ્પિટલ (સાઉથ બોપલ) અને સફલ મલ્ટિસ્પેશિયાલિટી (બોપલ).
અન્ય ઝોનઃ જીવનધારા હોસ્પિટલ (ઠક્કરનગર), અંકુર હોસ્પિટલ (રખિયાલ), પૂજા હોસ્પિટલ (નરોડા), ન્યૂલિટલ હોસ્પિટલ (મણિનગર).
શાળાઓ હોસ્પિટલો ઉપરાંત, સત્સંગી વિદ્યાલય (ઇન્ડિયા કોલોની), શાંતિ જુનિયર પ્રી સ્કૂલ (ઇન્ડિયા કોલોની), લિટલ મિલેનિયમ (ચાંદખેડા), જે.કે. સ્કૂલ (આંબલી) સહિત 10 જેટલી શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓને પણ બીયુ પરમિશનના અભાવે સીલ કરવામાં આવી હતી.
નાયબ કમિશનર રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે, હોસ્પિટલ અને શૈક્ષણિક સંકુલો સાથે ગેમિંગ ઝોનની પણ ચકાસણી ચાલી રહી છે અને આગામી દિવસોમાં તેમને પણ નોટિસો આપવામાં આવશે.
હોસ્પિટલ ચલાવવા માટે કોમર્શિયલ એકમ તરીકેનું બીયુ ફરજિયાત છે. હોસ્પિટલ એસોસિએશન આહનાના પ્રેસિડન્ટ ભરત ગઢવીએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે હોસ્પિટલોને સીલ કરાઈ હતી, ત્યારે જ સંચાલકોને બીયુ લેવા સૂચના આપવામાં આવી હતી.
ત્યાર પછી ઇમ્પેક્ટ ફી આવતાં તેનો લાભ મેળવી પરમિશન લેવા માટે ફરી સૂચના અપાઈ હતી. તંત્રની આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે BU પરમિશન વિના ચાલતા એકમોને હવે કોઈ રાહત આપવામાં આવશે નહીં.

