Rajkot. તા.4
800 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ નેટવર્કના મુખ્ય બે સૂત્રધારને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. મુંબઈ એરપોર્ટ પરથી બંને શખ્સોને પકડી ચાઈનીઝ ગેમીંગની ચેઈન તોડવામાં કડી સાબિત થઈ છે.
પકડાયેલ શખ્સો ગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાનો, BE મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને B.COખ દીપ ઠક્કર જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો, તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુના ટ્રાન્જેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.
આ યુવાનો બેંગકોક અને વિયેતનામ ખાતેથી લગભગ 50 જેટલી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ (મર્ચન્ટ) પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેક્સસને ‘થ્રી-લેયર મોડ્યુલ’ હેઠળ ઓપરેટ કરતા હતા. જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી.
800 કરોડના ટ્રાન્જેકશનો કરી નેટવર્ક ફેલાવ્યું
સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઇલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપીઓ પાસેથી મળી આવેલા જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં કુલ 800 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશનો થયા હતા.
આ 149 ખાતાઓ પર ગCCRP પોર્ટલ ઉપર કુલ 417 ફરિયાદો પણ મળી આવી હતી. DCP બિશાખા જૈન આ કેસમાં અન્ય બે નાસતા-ફરતા આરોપીઓ માટે એલ.ઓ.સી. ઇશ્યુ કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના આધારે જતીન અને દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
નિક નેમઃ જોન રેપર એટલે જતીન ઠક્કર અને પિકાસો ટાયસન એટલે દીપ ઠક્કર
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત પોલીસે જ્યારે અગાઉ કતારગામમાંથી આ રેકેટના સ્થાનિક ઓપરેટરો (બ્રાન્ચ વાળા)ને પકડ્યા હતા, ત્યારે તેમના મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સમાંથી વિચિત્ર નામો મળી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન `જોન રેપર’ અને `પિકાસો ટાઈસન’ જેવા કોડનેમ મળ્યા હતા.
શરૂઆતમાં પોલીસ માટે આ નામો એક કોયડો હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખુલ્યું હતું કે આ કોઈ વિદેશી નાગરિકો નથી પરંતુ આપણા જ ગુજરાતી યુવાનો છે. જેમાં ‘જોન રેપર’ એ બીજું કોઈ નહીં પણ માસ્ટરમાઈન્ડ જતીન ઠક્કરનું ડમી નામ હતું, જ્યારે ‘પિકાસો ટાઈસન’ એ દીપ ઠક્કરનું ડમી નામ હતું.
ગેમમાં જીતનાર લોકોને પૈસા ચૂકવવા સાયબર ફ્રોડના નાણાનો ઉપયોગ કરતા હતા
આ રેકેટમાં ગંભીર બાબત એ સામે આવી છે કે, જે લોકો ગેમિંગ એપ્લિકેશનમાં જુગાર રમીને પૈસા જીતતા હતા, તેમને ચૂકવણી કરવા માટે પણ આરોપીઓ સાયબર ફ્રોડના જ પૈસા વાપરતા હતા. એટલે કે, એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને મેળવેલા પૈસા બીજી વ્યક્તિને ઈનામ સ્વરૂપે આપીને આખી સિસ્ટમ ચાલુ રાખવામાં આવતી હતી.

