Surendranagar, તા.4
ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ પર આવેલા ફલકુ ડેમના કાંઠે આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરમાં વીજળીના વાયર હટાવી દેવાતા અંધારપટ્ટ છવાયો છે. PGVCL દ્વારા વારંવાર વીજ વાયર દૂર કરાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.મંદિરમાં રાત્રીના સમયે પ્રકાશની સુવિધા માટે અગાઉ ફલકુ ડેમની કચેરીમાંથી વીજ વાયરની લાઇન નાખવામાં આવી હતી.
જોકે, છેલ્લા એક વર્ષમાં ધ્રાંગધ્રા PGVCL કચેરી દ્વારા આ વાયરને ત્રણ વખત ઉતારી લેવામાં આવ્યો છે, જેના કારણે મંદિરમાં અંધાં રહે છે.ભક્તોના જણાવ્યા અનુસાર, મંદિરમાં કોઈ વીજ ચોરી કરવામાં આવી નથી. તેમ છતાં PGVCL કર્મચારીઓ દ્વારા વારંવાર આવી કાર્યવાહી કરવામાં આવે છે.
ભક્તોએ ઉમેર્યું કે ડેમના કાંઠે નિર્જન વિસ્તાર હોવાથી રાત્રીના સમયે અજવાળું રાખવું અત્યંત જરૂરી છે. તેમને શંકા છે કે ડેમની કચેરીમાંથી લીધેલી લાઈટ PGVCL અધિકારીઓને પસંદ ન હોવાથી આ પ્રયાસ કરાઈ રહ્યો છે.આ મામલે જોગેશભાઈ ઘેલાણી નામના ભક્ત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વીજ પુરવઠા મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ભક્તો દ્વારા PGVCL કચેરી સમક્ષ મંદિરમાં વીજ મીટરની સુવિધા આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પોતાના રક્તથી પત્ર લખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ તરફ, PGVCL બાવળી સબ ડિવિઝનના અધિકારી સાથે ટેલિફોનિક સંપર્કમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં જ તેઓને સબ ડિવિઝનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે, મંદિરના પ્રશ્ન અંગે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને અધિકારી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

