Surendranagar, તા.4
શહેરમાં રાત્રી સફાઈ કરતા મહિલા કર્મચારીને કારે અડફેટે લેતા ઈજા પહોંચી છે. બીજી તરફ નેશનલ હાઈવે પર વડોદ પાસે સામેથી ડીવાઈડર ટપીને કાર બાઈક ઉપર પડતા બાઈક સવાર બે ભાઈઓને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા રાત્રી સફાઈ કરવામાં આવે છે.
ત્યારે તા. 2જીને મંગળવારે રાતના સમયે મહિલા સફાઈ કામદારો શહેરના ખીજડીયા હનુમાન ચોકથી ટાંકી ચોકના રસ્તે સફાઈ કરતા હતા.જેમાં મોટી શાક માર્કેટ સામે એક પુરઝડપે ચાલતી કારે સફાઈ કર્મી નર્મદાબેન રવીભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને પગમાં ઈજા થતા સારવાર માટે સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા.
બનાવની જાણ થતા સફાઈ કામદારોના આગેવાન મયુરભાઈ પાટડીયા સહિતનાઓ દોડી ગયા હતા. પરંતુ કોઈ મનપાના અધીકારીઓ ન ફરકતા સફાઈ કર્મીઓમાં રોષ ફેલાયો હતો. આ અંગે મયુરભાઈએ જણાવ્યુ કે, અવારનવાર રજુઆતો છતાં સફાઈ કામદારોની સુરક્ષા પરત્વે કોઈ ધ્યાન મનપા આપતી નથી. રાતના 9-00 પછી મહીલાઓ પાસે કામ લેવુ તે સુપ્રીમ કોર્ટના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન છે.
બીજી તરફ સાયલા તાલુકાના સીતાગઢ ગામે રહેતા 38 વર્ષીય ભુતાભાઈ પ્રભુભાઈ બાટીયા મજુરી કરે છે. તા. 8-10ના રોજ તેઓ તથા તેમના ભાઈ જેમાભાઈ બાટીયા બાઈક લઈને કામથી લીંબડી ગયા હતા. જયાંથી બપોરે 12-30 કલાકના અરસામાં પરત ફરતા હતા.
જેમાં બાઈક ભુતાભાઈ ચલાવતા હતા. ત્યારે લીંબડી-સાયલા હાઈવે પર વડોદ પાસેથી સામેથી ડીવાઈડર કુદીને એક કાર પલટી ખાતી તેમના બાઈક સાથે આવીને અથડાઈ હતી. જેમાં બન્ને ભાઈઓને ઈજા થતા સારવાર માટે લીંબડી સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે વાંકાનેર લઈ જવાયા હતા.

