New Delhi,તા,04
સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ હાથ ધરેલા ચૂંટણી સુધારણામાં બુથ લેવલ ઓફિસર્સ (BLO)ના મૃત્યુની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, હાલના બીએલઓના કામકાજને હળવું કરવા માટે રાજ્ય સરાકોર વધારાની કર્મચારીઓ તહેનાત કરે, જેથી હાલના બીએલઓના કામના કલાકો ઘટાડી શકાય.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ આ મામલે સુનાવણી હાથ ધરી હતી. મતદાર યાદીના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ (SIR) દરમિયાન બુથ લેવલ ઓફિસર્સ (BLOs) પર વધી રહેલા કામના દબાણ અને કથિત મોતના મામલે સુપ્રીમ કોર્ટે મંગળવારે કડક વલણ અપનાવ્યું હતું. ચીફ જસ્ટિસે (CJI) સ્પષ્ટ કર્યું કે અદાલત શિયાળાની રજાઓ પહેલાં આ મામલાની સુનાવણી પૂર્ણ કરવા માંગે છે, અને આ માટે અન્ય તમામ કેસોને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે, કોર્ટે રાજ્યોને BLOs પરનો કાર્યભાર ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો જારી કર્યા હતા.સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચ (ECI) તરફથી દલીલ કરવામાં આવી કે એક બુથ પર વધુમાં વધુ 1200 મતદારો હોય છે અને BLOને 30 દિવસમાં 1200 ફોર્મ લેવાના હોય છે, જે “વધારાનો બોજ નથી”. આના પર CJIએ સવાલ કર્યો, “શું રોજના 10 ફોર્મ ભરવા પણ બોજ છે?” આનો વિરોધ કરતા, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે BLOને દરરોજ 40 ફોર્મ ભરવા પડે છે અને બહુમાળી ઇમારતોમાં જઈને માહિતી એકત્ર કરવી પડે છે, જે ખૂબ જ મહેનતનું કામ છે. ECIના વકીલે આને ‘રાજકીય દલીલ’ ગણાવી હતી.તમિલનાડુની એક રાજકીય પાર્ટી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દાવો કર્યો કે SIR દરમિયાન 35-40 BLOના મોત થયા છે અને લક્ષ્ય પૂરું ન કરનાર પર કેસ કરવાની ધમકીઓ અપાઈ રહી છે. તેમણે કહ્યું, “આ લોકો શિક્ષકો અને આંગણવાડી કાર્યકર્તાઓ છે, શું તેમની સાથે આવો વ્યવહાર કરી શકાય?” તેમણે કોર્ટને જણાવ્યું કે માત્ર યુપીમાં જ 50 FIR નોંધાઈ છે અને BLOને 24-48 કલાકમાં કામ પૂરું કરવાની નોટિસ મોકલવામાં આવી રહી છે.

