Canada,તા,04
એક સમય હતો જ્યારે કેનેડા, ભારતીયો માટે સુખ-સમૃદ્ધિ અને સ્થિર ભવિષ્યનું પ્રતીક હતું. ત્યાં આછી-પાતળી નોકરીઓમાં પણ સારી કમાણી થઈ જતી અને ભારતમાં રહેતા પરિવારને મોકલવા જેવી નોંધપાત્ર રકમની બચત પણ થઈ જતી. પરંતુ હાલ પરિસ્થિતિમાં ભારે પલટો આવ્યો છે. કેનેડામાં ફુગાવો વધ્યો છે અને ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને લીધે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ પડકારરૂપ બની ગયું છે. આવક અને ખર્ચ વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી થઈ રહી છે. ખાસ કરીને લઘુત્તમ વેતન પર નિર્ભર રહેતા લોકો માટે બે છેડા ભેગા કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
‘લઘુત્તમ વેતન'(મિનિમમ વેજીસ)એ સરકાર દ્વારા નક્કી કરાયેલી કાયદેસરની લઘુત્તમ કલાકદીઠ મજૂરી છે, જે દરેક કર્મચારીને મળવી જ જોઈએ. ‘જીવનનિર્વાહ વેતન'(લિવિંગ વેજીસ)એ એક આંકડાકીય ગણતરી છે, જે દર્શાવે છે કે કોઈ ચોક્કસ પ્રદેશમાં રહીને મકાન ભાડું, ખોરાક, પરિવહન, વીજળી-પાણી જેવી જીવન-જરૂરિયાત સેવાઓ, ફોન-ઇન્ટરનેટ જેવી સુવિધાઓ અને અન્ય મૂળભૂત ખર્ચને પહોંચી વળવા માટે પ્રતિ કલાક કેટલી આવક જરૂરી છે. હાલમાં કેનેડાની કઠોર વાસ્તવિકતા એ છે કે લોકોને લઘુત્તમ વેતન તો મળી રહ્યું છે, પણ તે જીવનનિર્વાહ વેતનથી ઘણું ઓછું છે, જેને લીધે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ અઘરું બની ગયું છે.
‘ઓન્ટારિયો લિવિંગ વેજ નેટવર્ક'(OLWN)ના 2025ના અહેવાલ મુજબ, ‘ગ્રેટર ટોરોન્ટો એરિયા'(GTA) માટે જીવનનિર્વાહ વેતન $27.20 પ્રતિ કલાક છે. એની સામે, લઘુત્તમ વેતન માત્ર $17.60 પ્રતિ કલાક છે. એટલે કે, કલાકદીઠ આવકમાં લગભગ $10 નો જબરદસ્ત તફાવત ઊભો થયો છે. GTA એ કેનેડાનો એવો પ્રદેશ છે જ્યાં ભારતીયોની વસ્તી ઘણી મોટી છે અને એમાં બ્રેમ્પટન જેવા શહેરો સામેલ છે.
લઘુત્તમ વેતન પર કામ કરતી ભારતીયોની વિશાળ વસ્તીમાં નવા ઇમિગ્રન્ટ્સ, તાજેતરમાં ગ્રેજ્યુએટ્સ થનારા યુવાનો, ઓછા શિક્ષિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નીચેના ક્ષેત્રોમાં મોટાભાગની એન્ટ્રી-લેવલ નોકરીઓમાં લઘુત્તમ વેતન જ આપવામાં આવે છે…
1. રિટેલ સેક્ટર: સુપરમાર્કેટ, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનો.
2. ફૂડ સર્વિસ: મેકડોનાલ્ડ્સ, ટિમ હોર્ટન્સ, સબવે જેવી ફ્રેન્ચાઇઝીમાં કામ કરતા કર્મચારીઓ.
3. વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ: એમેઝોન, ફેડએક્સ જેવા કેન્દ્રો.
4. હોસ્પિટાલિટી અને ક્લીનિંગ: હોટેલ્સ, ઓફિસ સફાઈ અને મકાન જાળવણીનું કામ.
5. પાર્ટ-ટાઇમ વિદ્યાર્થી નોકરીઓ: કૅફે, રેસ્ટોરન્ટ અને સેલ્સમાં કામ કરતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ.
સ્થાનિક અનુભવ, સંદર્ભો અને નેટવર્કનો અભાવ ધરાવતા નવા ઇમિગ્રન્ટ્સને પણ ઘણીવાર શરૂઆતમાં આવી જ નોકરીઓ સ્વીકારવી પડે છે.
આવક અને જાવક વચ્ચેની ખાઈને પહોંચી વળવા માટે લોકોને ઓવરટાઇમ કામ કરવા માટે મજબૂર થવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ અને કામદારો અઠવાડિયાના સાત દિવસ, એક કરતાં વધુ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ કે, દિવસે કોઈ કૅફેમાં અને રાત્રે સિક્યોરિટી ગાર્ડ તરીકે. અગાઉ, ઓવરટાઇમ કામ કરીને વધારાની કમાણી કરવાનો ઉત્સાહ હતો; કેમ કે એમ કરવામાં બચત થતી હતી. હવે, એ માત્ર ગુજરાન ચલાવવાની ફરજ બની ગઈ છે, કેમ કે બચત કરીને પરિવારને મોકલવાનું તો દૂર, ત્યાંના અંગત ખર્ચ પણ ભાગ્યે જ પૂરા કરી શકાય છે.
લઘુત્તમ વેતન અને જીવનનિર્વાહ વેતન વચ્ચેનો ખાડો વધતો જાય છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
– મેટ્રો વિસ્તારોમાં મકાનોના ભાડાં બેફામ વધી ગયાં છે, જેને લીધે રહેણાંકનો ખર્ચ સૌથી મોટો બોજ બની જાય છે.
– ખોરાકની કિંમતોમાં ભારે વધારો થયો છે.
– પરિવહન, ગેસ, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સેવાઓની કિંમતોમાં પણ સતત વધારો થતો રહે છે.
– બાળઉછેરના ખર્ચનું દબાણ બધું ગણિત ખોરવી નાંખે છે.
– કેનેડાની સરકાર દ્વારા સમયાંતરે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તો છે, પણ ફુગાવાના સતત વધતા દર સાથે એ વધારો કદમતાલ મેળવી શકતો નથી, જેથી આ સમસ્યા વધુ ગંભીર બની છે.

