New Delhi, તા.6
શરીરનાં કે ગોઠણનાં ઘસારા પછી ની કે હીપ ઈમ્પ્લાંટ કરાવવાની સર્જરી સતત વધી રહી છે. સામાન્ય લોકોનાં મનમાં એવી છાપ છે કે ની કે હીપ ઈમ્પ્લાંટ કરાવ્યા બાદ તે જીંદગીભરની નિરાંત આપે છે. પરંતુ તબીબોએ આ વાત નકારીને એવો ખુલાસો કર્યો છે કે દરેક ઈમ્પ્લાંટનું એક આયુષ્ય હોય છે અને આજીવન ચાલતુ નથી.
તબીબોના કહેવા પ્રમાણે ઈમ્પ્લાંટ 20 થી 25 વર્ષ ચાલે છે ભારતમાં બે દાયકા પૂર્વે આવી સર્જરી કરાવનારા લોકોને તેનો અનુભવ થવા લાગ્યો છે. ઈમ્પ્લાન્ટ ઢીલા પડવા લાગ્યા છે કે નિષ્ફળ થયાની છાપ ઉપસવા લાગી છ. આનો સીધો અર્થ એવો થાય છે કે દેશના સેંકડો-હજારો દર્દીઓને નવી બીજી સર્જરીની જરૂર પડશે તેને `રીવીઝન સર્જરી’ કહેવાય છે અને તે વધુ ખર્ચાળ જટીલ અને જોખમી હોય છે.
ત્રણ દિવસની રીવીઝન ઓર્થોપ્લાસ્ટી કોન્ફરન્સમાં આ મુદ્દે વિસ્તૃત મંથન થયુ છે. દેશભરનાં 850 સર્જન કોન્ફરન્સમાં હાજર રહ્યા છે. નિષ્ણાંતોએ રીવીઝન સર્જરીને ભારતમાં પડકારજનક ગણાવીને એવી ચેતવણી આપી છે કે આવતા વર્ષોમાં હજારો દર્દીઓને રીવીઝન સર્જરીની જરૂર પડશે અને ભારતમાં પર્યાપ્ત તાલીમબદ્ધ સર્જન નથી.
કોન્ફરન્સનાં ચેરમેન ડો.અનિલ અરોરાએ કહ્યું કે દરેક ની કે હિપ ઈમ્પ્લાંટ સમય જતા ઘસાઈ જશે. ભારત હવે આ દોરમાં પ્રવેશી રહ્યું છે. અગાઉના વર્ષોમાં રિપ્લેસમેન્ટ સર્જરી કરાવનારા હજારો દર્દીઓનાં ઈમ્પ્લાંટ ઘસાવા સાથે નિષ્ફળ જવા લાગશે અને ભારતને વધુ સંખ્યામાં રીવીઝન સર્જનની જરૂર પડશે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઈમ્પ્લાન્ટ આયુષ્ય પુરૂ થવા સાથે જ નિષ્ફળ જશે. અન્ય કોઈ ક્ષતિ કે કારણ નથી. મોટાભાગનાં ઈમ્પ્લાન્ટનું આયુષ્ય 15 થી 20 વર્ષનું છે. 2000 ના દાયકામાં ભારતમાં હજારોની સંખ્યામાં ની કે હીપ રીપ્લેસમેન્ટ સર્જરી થઈ હતી. તેના ઈમ્પ્લાન્ટનું આયુષ્ય હવે ખત્મ થશે. ઈમ્પ્લાન્ટ ઢીલા પડવા સાથે દર્દીઓને તકલીફ થવા લાગશે.
રીવીઝન સર્જરી ઘણી જટીલ હોવા પાછળનું કારણ એ છે કે સર્જનોએ નવી સર્જરીમાં પ્રથમ જુનુ ઈમ્પ્લાંટ કાઢવુ પડશે.ઉપરાંત હાડકાના નુકશાનને સરખુ કરવુ પડશે સાંધા નવેસરથી જોડવા માટે પણ કોમ્પોનેન્ટનો ઉપયોગ કરવો પડશે. અને આ પ્રક્રિયામાં નિપૂણતા આવશ્યક છે. અત્યાધુનિક ટેકનોલોજીની જરૂર પડશે.
જુના ઈમ્પ્લાન્ટ ઘસાવા સાથે નિષ્ફળ થવા લાગે એટલે દર્દીઓને દુખાવો થવા ઉપરાંત ચાલવામાં તકલીફ થવા લાગે છે. સાંધા ઢીલા પડવાથી ધ્યાન ખેંચાય છે. મોટાભાગના દર્દીઓને ખબર નથી કે ની તથા હીપ ઈમ્પ્લાંટમાં 10-12 વર્ષથી નિયમીત ચેકઅપ કરાવવુ જોઈએ.કોઈ સમસ્યા ઉભી થયા બાદ તબીબો પાસે જાય ત્યારે તકલીફ વધી ગઈ હોય છે અને જયારે સર્જરી પણ મુશ્કેલ બની જાય છે.
નિષ્ણાંતોએ કહ્યું કે, રીવીઝન સર્જરીમાં આધુનિક ઈમ્પ્લાંટ તથા સર્જનોની નિપૂણતા જરૂરી છે.ભારતની મોટી હોસ્પીટલો પણ હજુ આ સુવિધા ઉભી કરી રહી છે. સૌથી મોટો પડકાર સમયસર નિદાનનો છે આ માટે જાગૃતિ ઉભી કરવા કોન્ફરન્સમાં નિર્ણય લેવાયો હતો.

