Rajkot, તા.6
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજરોજ સવારથી બર્ફીલા પવનો અને ઠાર એ લોકોને ધુ્રજાવી દીધા હતા. નલિયાને બાદ કરતા મોટા ભાગનાં સ્થળોએ આજે સવારે તાપમાન જોકે સામાન્ય રહ્યું હતું. પરંતુ ઉતર-પૂર્વના ઠંડા પવનોએ તિવ્ર ઠંડીનો અનુભવ કરાવ્યો હતો.
રાજકોટ શહેરમાં આજે સવારે સરેરાશ 6 થી 8 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા નગરજનો ઠરી ગયા હતા અને સવારથી જ ગરમ વસ્ત્રોમાં લોકો લપેટાઇ ગયા હતા. શહેરનું લઘુતમ તાપમાન આજરોજ 16.4 ડિગ્રી નોંધાયુ હતું. પરંતુ ઠંડા પવનો એ ધુજાવ્યા હતા.
આ જ રીતે જુનાગઢમાં પણ શિતલહેરોનું સામ્રાજય રહેવા પામ્યું હતું. સોરઠમાં ઠંડીનો માહોલ ધીમે ધીમે છવાઇ રહ્યો છે ત્યારે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 9 ડિગ્રીએ રહેવા પામ્યું હતું. જેના કારણે સહેલાણીઓ પ્રવાસીઓને ઠંડીનો અહેસાસ થવા પામ્યો છે.
આ વર્ષે પણ ઠંડીના પગરવ મોડા થઇ રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીની શરૂઆત થવા પામી છે. છેલ્લા બે દિવસથી ઠંડીનો વધારો સવાર સાંજના અનુભવ થઇ રહ્યો છે જે 10 થી 12 ડીગ્રી એ નીચે ઉતરીને બપોરના સમયે 30 થી 32 ડિગ્રી ઉપર જતા ગરમી પડી રહી છે. ભેજ ઘટીને 69 ટકા જ્યારે ઠંડો પવન 3.3 પ્રતિ કલાક કિ.મી. ફુંકાઇ રહ્યો છે.
આ ઉપરાંત આજે સવારે શિતલહેરો વચ્ચે અમદાવાદમાં 15.8, અમરેલીમાં 15, વડોદરામાં 14, ભાવનગરમાં 19, ભુજમાં 15.4, ડિસામાં 13.8, દિવમાં 18, દ્વારકામાં 19.4, ગાંધીનગરમાં 13.2, કંડલામાં 18.5 તેમજ નલિયા ખાતે 12.6, પોરબંદરમાં 18.3 અને વેરાવળ ખાતે 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જામનગરમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 15.5 ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ તથા ઉત્તરાખંડમાં હિમવર્ષા થતા જામનગરમાં હવે ધીમે ધીમે લઘુતમ તાપમાનમાં ધટાડો થઈ રહ્યો છે.ગતસોમવારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયા પછી આજે શનિવારે લઘુતમ તાપમાન 15.5 ડિગ્રી નીચે સરકીને પહોંચી ગયું છે.
આમ છ દિવસમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે.તો મહતમ તાપમાનમાં સોમવારે 30 ડિગ્રી નોંધાયા પછી આજે 28 ડિગ્રી નોંધાતા મહતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા નોંધાયું છે.તો પવનની ગતિ પ્રતિકલાક 7 કિમિ પહોંચી જતા સુસવાટા મારતા ઠંડા પવનથી શહેરીજનો ઠુઠવાયા હતા.
જયારે આજરોજ ફરી એકવાર 1ર.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે શીત લહેરોનાં પ્રભાવ હેઠળ બે દિવસથી બપોરનું તાપમાન પણ ઘટવા લાગ્યું છે. ગઇકાલે અમદાવાદ, અમરેલી, વડોદરા, ભાવનગર, ડિસા, દ્વારકા, કંડલા, નલિયા સહિત 9 સ્થળોએ ર8 થી ર9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયુ હતું.

