London,તા.6
બોલિવૂડના કિંગ ખાન તરીકે જાણીતા લોકપ્રિય અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી કાજોલની ફિલ્મ `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ) ને 30 વર્ષ પૂરા થઈ ગયા છે. 1995માં આવેલી ફિલ્મ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે”માં તેમની જોડીને ખૂબ જ પ્રશંસા મળી હતી, જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ત્યારે લંડનના લેસ્ટર સ્ક્વેરમાં DDLJને ખાસ રીતે સન્માનિત કરવામાં આવી છે.
શાહરૂખ અને કાજોલે લંડનના લીસેસ્ટર સ્ક્વેરમાં રાજ અને સિમરન (ફિલ્મના મુખ્ય પાત્રો)ની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ સન્માન વિશેષ છે, કારણ કે આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ભારતીય ફિલ્મને લીસેસ્ટર સ્ક્વેરમાં પ્રતિમાના રૂપમાં સન્માનિત કરવામાં આવી હોય. અનાવરણ કરાયેલી આ નવી કાંસ્ય પ્રતિમામાં રાજ અને સિમરનનો મશહૂર પોઝ દર્શાવવામાં આવ્યો છે.
આ દરમિયાન શાહરૂખ ખાને પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે DDLJ એક સાચા દિલથી બનાવેલી ફિલ્મ હતી. તેમણે જણાવ્યું કે તેઓ પ્રેમની એવી કહાણી કહેવા માંગતા હતા, જે મુશ્કેલીઓને પાર કરી જાય અને દુનિયાને દર્શાવે કે પ્રેમ દુનિયાને બહેતર બનાવી શકે છે. શાહરૂખ ખાને કહ્યું કે કદાચ આ જ કારણ છે કે DDLJ નો પ્રભાવ 30 વર્ષથી યથાવત રહ્યો છે.
અભિનેત્રી કાજોલે પણ કહ્યું કે `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 30 વર્ષ પછી પણ આટલો પ્રેમ મેળવી રહી છે. લંડનમાં પ્રતિમાનું અનાવરણ થતું જોવું એવું હતું, જાણે કે તેઓ તેમના ઇતિહાસનો એક ભાગ ફરીથી જીવી રહ્યા હોય.
તેમણે નોંધ્યું કે આ એક એવી વાર્તા છે, જેણે પેઢીઓની સફર કરી છે. કાજોલે ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલી ભારતીય ફિલ્મ છે જેને યુકેમાં આ પ્રકારે સન્માનિત કરવામાં આવી છે.

