Britain,તા.06
અમેરિકામાં શાસક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે વસતાં ભારતીય ઇમિગ્રન્ટ્સની કનડગત સતત વધી રહી છે તેમાં હવે યુકેમાં પણ બ્રિટિશ સરકારે રાઇડર તરીકે ગેરકાયદે કામ કરતાં એશિયન ઇમિગ્રન્ટ્સ સામે ઓપરેશન ઇકવલાઇઝ ચલાવી 171 ડિલિવરી રાઇડર્સની અટક કરી તેમની ડિપોર્ટેશનની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બાંગ્લાદેશીઓ અને ચીની ઉપરાંત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ઓપરેશન ઇકવલાઇઝ હેઠળ રાઇડર્સને અટકાવી તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે. જો તેઓ ગેરકાયદે કામ કરતાં હોવાનું જણાય તો તત્કાળ તેમની ધરપકડ કરી તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરવા માટે અટક કરવામાં આવે છે.
યુકે હોમ ઓફિસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઓપરેશન ઇક્વલાઇઝ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર બ્રિટનના શહેરો અને કસબાંઓમાં ગેરકાયદે કામ કરતાં રાઇડર્સને અટકાવી તેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. તેમાં જે ગેરકાયદે કામ કરતાં જણાયા તેમની તત્કાળ ધરપકડ કરી ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર આવા કુલ 171 જણાંની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્ટ લંડનમાં આવેલાં ન્યુહેમમાં 17 નવેમ્બરે ચાર રાઇડર્સની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં બંગલાદેશીઓ અને ભારતીયોનો સમાવેશ થતો હતો.
એ જ રીતે 25 નવેમ્બરે ઇસ્ટર્ન લંડનમાં આવેલાં ન્યુવીચ સીટી સેન્ટરમાં ત્રણ ભારતીય રાઇડર્સને ઝડપી તેમની ધરપકડ કરવામાં આવી હતી.તેમાંથી બેને ડિપોર્ટ કરવાની પણ કાર્યવાહી શરૂ હાથ ધરાઇ હતી. ત્રીજાને ઇમિગ્રેશન જામીન પર છોડવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે નોરીસે ફૂડ ડિલિવરી કંપનીઓ ડિલિવરૂ, જસ્ટ ઇટ અને ઉબેર ઇટસ સાથે બેઠક યોજી તેમના પ્લેટફોર્મ પર ગેરકાયદે કામ કરતાં લોકોને દૂર કરવા લવાનારાં પગલાંની ચર્ચા કરી હતી.
યુકેની સરકારે ચેતવણી આપી હતી કે ગેરકાયદે વસાહતીઓમાં રહેલાં ગુનેગારો તેમના ગંભીર ગુનાઓને છુપાવવા માટે અંધારી દુકાનોનો ઉપયોગ કરે છે. તેઓ મની લોન્ડરિંગથી માંડી ગેરકાયદે કામ કરવા સુધીના ગુના આ દુકાનો મારફતે કરે છે. હવે સ્થાનિક કોમ્યુનિટીને આવી દુકાનો દૂર કરવા વધારે સત્તાઓ આપવામાં આવી છે. સરકારે આવા ગુનેગારો પાસેથી ગયા વર્ષે 300 મિલિયન પાઉન્ડની ગુનાઇત સંપત્તિ જપ્ત કરી હતી.
ગૃહ ખાતાના જણાવ્યા અનુસાર ગૃહ પ્રધાન શબાના મહેમૂદના ગેરકાયદે ઇમિગ્રેશનના દૂષણને ડામવાની ઝૂંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુલાઇ 2024 સુધીમાં 50000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. યુકેના બોર્ડર સિક્યુરિટી પ્રધાન એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે આ પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે જો તમે આ દેશમાં ગેરકાયદે કામ કરતાં હશો તો તમારી ધરપકડ કરી તમને રવાના કરવામાં આવશે.
આ અઠવાડિયે યુકેના બોર્ડર સિક્યુરિટી , એસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલને શાહી મંજૂરી મળી જવાને પગલે તે હવે કાયદો બની જશે. આ કાયદામાં કાનુની છીંડા પૂરી દેવામાં આવ્યા છે અને જે બોસ તેમના કર્મચારીની પૂરી તપાસ કર્યા વિના તેમને કામે રાખે તો તેને પાંચ વર્ષ જેલની સજા અને દરેક કર્મચારી દીઠ 60000 પાઉન્ડનો દંડ કરવાની અને બિઝનેસ પણ બંધ કરાવી દેવાની તેમાં જોગવાઇ કરાઇ છે.

