Surendranagar,તા.06
ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર તળાવને નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળી જતાં ધ્રાંગધ્રા અને આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. એકાદ દાયકાથી ખાલી રહેલા આ તળાવને ભરવા માટે કરવામાં આવેેલી રજૂઆતો બાદ મંજૂરી મળી છે. આશરે રૃ.૨૨ કરોડના ખર્ચે તળાવને નર્મદાના નીરથી ભરવાનું આયોજન છે.
નગરપાલિકાની રજૂઆત બાદ નર્મદા વિભાગે તળાવ ભરવા માટે ૧૫૦૦ ક્યુસેક પાણી આપવાની મંજૂરી આપી છે. ભેચડા ગામે આવેલી મોરબી બ્રાંચ કેનાલમાંથી ૧૦ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા આ પાણી તળાવ સુધી પહોંચાડવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૃ.૨૨ કરોડ જેટલો છે.માનસાગર તળાવમાં નર્મદાના નીરની આવક થવાથી આજુબાજુના ખેડૂતોને પાણી મળી શકશે અને ઉનાળા દરમિયાન શહેરી વિસ્તારમાં પડતી પાણીની તંગી દૂર થશે. તળાવમાં પાણી આવવાથી ધ્રાંગધ્રા અને ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવશે, અને માનસાગર તળાવ એક પર્યટક સ્થળ તરીકે વિકસી શકશે. મંજૂરીથી સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

