Ahmedabad,તા.06
તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી. આ ઘટના વચ્ચે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટે ગુજરાત સરકારની નીતિને ઉઘાડી પાડી છે કેમકે, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે સાથે સાથે ખાખીની કામગીરી પણ શંકાના ઘેરામાં મૂકાઇ છે. આખાય દેશમાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે રહ્યુ છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં જ 95 આરોપીના મૃત્યુ થયાં છે. જે ચિંતા ઉપજાવે તેમ છે.
ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ સાથે અમાનવીય વર્તન,ત્રાસ અને યાતના ગુજારવામાં આવી રહી છે જેના કારણે ચિંતાજનક સ્થિતી સર્જાઇ છે. પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓનાં મોત થઇ રહ્યાં છે વર્ષ 2018 અને વર્ષ 2020માં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા સહિત રેકોડીંગ સાધનો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેનો સંપૂર્ણ અમલ કરાયો નથી. આજે પણ ગુજરાતમાં ઘણા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. એટલુ જ નહીં, સીસીટીવી કેમેરા બંધ અવસ્થામાં છે.

