Ahmedabad,તા.06
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ મહાવીર નગર સોસાયટીમાં રહેતા 53 વર્ષીય મહિલા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. ઓનલાઈન ગ્રોસરી એપ્લિકેશન ઝેપ્ટોના રિફંડના બહાને અજાણ્યા ઠગે તેમની પાસેથી ‘CUSTOMER SUPPORT.APK’ નામની ફાઇલ ડાઉનલોડ કરાવીને તેમનો મોબાઈલ હેક કર્યો હતો. આ ટેકનિકલ છેતરપિંડીના માધ્યમથી ફરિયાદીના વિવિધ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા 86,481ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ફરિયાદી સરલાબેને ઝેપ્ટો મારફતે શાકભાજીનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય દ્વારા ઓર્ડર મુજબ નાના રીંગણના બદલે મોટા રીંગણની ડિલિવરી આપવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ આ રીંગણ પરત લઈ જવા જણાવ્યું ત્યારે ડિલિવરી બોયે રિટર્ન લેવાનો ઇનકાર કરીને કસ્ટમર કેરમાં વાત કરી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ, ફરિયાદીએ ગૂગલમાં ઝેપ્ટોના કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો, જેના પરથી તેમને એક નંબર મળ્યો. આ નંબર પર કોલ કરતાં, સામાવાળાએ બીજો એક નંબર આપી તેના પર કોલ કરવાનું કહ્યું હતું.

