Surat,તા.06
પાલિકાની ઓફિસ પર 10 વર્ષ સુધી ગેરકાયદે કબજો જમાવનાર વિવિધ યુનિયનોને ઓફિસ ખાલી કરવા માટે નોટિસ આપ્યા બાદ યુનિયનો તાળા મારી જતા રહ્યા હતા. પાલિકાએ આ ગેરકાયદે કબજાવાળી ઓફિસ રાતોરાત ખાલી કરીને યુનિયન નો સામાન બહાર મુકી દીધો હતો. યુનિયનો પાલિકાને કાયદેસરતાના પુરાવા આપવામાં નિષ્ફળ ગઈ છે પરંતુ હવે તાળા તોડી સામાન બહાર મુકવાના મુદ્દે વિવિધ યુનિયનોએ પાલિકા સામે કોર્ટમાં અરજી કરી છે. પાલિકા તંત્રએ 20 નવેમ્બર ના રાત્રે યુનિયનોની ઓફિસના ખોલી સામાન બહાર મુકી દીધો હતો અને ફરીથી કબ્જો ન થાય તે માટે અન્ય ઓફિસ શરુ પણ કરાવી દીધી હતી. પાલિકાએ યુનિયનોને કાયદેસરતા સાબિત કરવા માટે નોટિસ આપી હતી પરંતુ હજી સુધી કોઈ યુનિયન પાલિકાએ માંગેલા તમામ પુરાવા રજુ કરી શક્યું નથી તેના કારણે પાલિકા હજી આકરા પગલાં ભરી શકે તેમ છે.
સુરત પાલિકામાં ચાલતા કેટલાક યુનિયન ખરેખર કર્મચારીઓનો અવાજ બને છે પરંતુ કેટલાક યુનિયનની પ્રવૃત્તિઓ શંકાસ્પદ છે. એટલું જ નહીં પરંતુ યુનિયનના નામે અધિકારી- ચૂંટાયેલી પાંખને દબાવવાનો પ્રયાસ કરે છે. આવા યુનિયનોએ છેલ્લા 10 વર્ષથી પાલિકાની 10 ઓફિસ પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ યુનિયનોને કાયદેસરતા સાબિત કરવા માટે નોટિસ આપી ઓફિસ ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, ઓફિસ ખાલી કરવાના બદલે યુનિયનો તાળા મારી જતા રહ્યાં હતા.
સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્યના પત્ર બાદ પાલિકા- પોલીસે દબાણ હટાવવાની આક્રમક કામગીરી કર્યા બાદ શહેરના અન્ય વિસ્તારમાં દબાણથી ત્રસ્ત લોકોએ પણ પોતાના વિસ્તારના દબાણ દુર કરવા માટે ફરિયાદ કરી છે. પાલિકાની સ્થાયી સમિતિમાં સુરતના રાજ માર્ગ પર દિવસ દરમિયાન રીક્ષા વાળા ના દબાણ અને સાંજેથી મોડી રાત્રી સુધી માથાભારે દબાણ કરનારાઓના દબાણના કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે તેથી કડકાઈ પુર્વક દબાણ હટાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
સુરતમાં માથાભારે દબાણ કરનારાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આ દબાણના કારણે લોકોએ રસ્તા પર વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યાં છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તેમના વિસ્તારના દબાણ હટાવવા માટે પત્ર લખ્યા બાદ પાલિકા અને પોલીસ આક્રમક રીતે દબાણ દુર કરી રહી છે. આ દબાણ દુર થતા સ્થાનિકો ને ભારે રાહત થઈ છે. વરાછાની સ્થિતિ સુધરતાં હવે સુરતના અન્ય વિસ્તારના લોકો પણ તેમના વિસ્તારના દબાણ મુદ્દે પાલિકા માં રજૂઆત કરતા થયા છે. થોડા સમય પહેલાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ચૌટા બજાર વિસ્તાર માંથી કાયમી ધોરણે દબાણ દુર કરવા પત્ર લખ્યો હતો.
સુરત પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યો દ્વારા રાજ માર્ગ પરથી દબાણ હટાવવા માટે રજુઆત કરી હતી અને સ્થાયી સમિતિએ તંત્રને રાજમાર્ગ પરથી કડકાઈ પુર્વક દબાણ દુર કરવા માટે તાકીદ કરી છે. ફરિયાદ એવી હતી કે દિવસ દરમિયાન રાજ માર્ગ પર માથાભારે રીક્ષાવાળાઓ આડેધડ રીક્ષા ઉભી કરી દે છે. આ રીક્ષાના જમાવડાના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ઘણી વખત તો માથાભારે રિક્ષાવાળા વાહનચાલકો સાથે ઝઘડો કરતા પણ હોય છે. આ માથાભારે રીક્ષાવાળા ના કારણે દિવસ દરમિયાન રાજમાર્ગ પર ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે.
આટલું ઓછું હોય ત્યાં સાંજ થી મોડી રાત્રી સુધી રાજ માર્ગ પર બન્ને તરફ માથાભારે દબાણ કરનારાઓ વિવિધ વસ્તુઓનું વેચાણ કરવા માટે કબ્જો કરી લેતા હોય છે. અને ગ્રાહકો પણ ખરીદી માટે આડેધડ વાહનો પાર્ક કરતા હોય વાહન ચાલકો તો ઠીક પણ એમ્બ્યુલન્સ ને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે પાલિકા અને પોલીસ સંયુક્ત ઓપરેશન કરીને દિવસે રીક્ષાવાળાઓ અને રાત્રીના દરમિયાન માથાભારે તત્વોના દબાણ કાયમી ધોરણે દૂર કરવા માટે સુચના આપી છે અને આગામી દિવસોમાં તેનો અમલ પણ થશે. આવી જ રીતે ચૌટા બજારમાં પણ તબક્કાવાર દબાણ દુર કરવા પાલિકા આયોજન કરી રહી છે. જો પાલિકા અને પોલીસ આ દબાણ હટાવે તો લોકોને રાહત થાય અને ટ્રાફિક સમસ્યાનું પણ નિવારણ આવી શકે છે.

