Gandhinagar,તા.17
ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ડિસેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે. ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ધુમ્મસ જોવા મળી રહી છે. ગુજરાતમાં ઠંડી વધી ગઈ છે. ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઠંડી વધી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, બેવડી ઋતુ યથાવત રહે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી નીચું નલીયામાં ૯.૮ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ચાર દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ પવનની દિશા પૂર્વીય તરફ થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં વાતાવરણ ડામાડોળ થવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે,૧૯-૨૧ ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાશે. ૧૮ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર પશ્ચિમ વિક્ષેપો આવવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વત પ્રદેશથી લઈને રાજસ્થાન સુધી હવામાન પલટો આવવની શક્યતા છે. ઉત્તરીય પર્વત ભાગોમાં ૨ ઈંચ જેટલો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. લધુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં ૧૭-૨૦ જેવું રહેશે. આ દિવસોમાં સમુદ્ર કાંઠાના ભાગોમાં પણ ઠંડી રહેશે. હવામાન નિષ્ણાતે કહ્યું કે, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કરછ, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગરના ભાગોમાં સવારે ઠંડી રહેવાની શક્યતા રહેશે.
૨૨ ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાય અને દેશનાં ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. ૨૭ ઠંડીને વેગ મળશે અને ફરી હવામાન પલટાશે. જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે. પરંતુ ૧૧ જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીને વેગ મળશે. જાન્યુઆરી પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયુ વાતાવરણ અને માવઠું પડવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ૧૦-૧૧ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી માટે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીને વેગ મળશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહે. ક્યારેક સવારે કોઈ કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકે અને બેવડી ઋતુનો અનુભવ થાય.

