Gandhinagar,તા.18
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ ।.11,000 કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂ।. 15,000 કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. જેના પરિણામે સહાય મળતા આજે ગુજરાતનો ખમીરવંતો ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.
ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે.
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 37.15 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 37.52 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા 37,000 હેક્ટર વધુ છે.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું 10.83 લાખ હેક્ટર, ચણાનું 7.10 લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું 2.66 લાખ હેક્ટર, મસાલા પાકોનું 3.24 લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ 1.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં 21 ટકાની વૃદ્ધિ થઈ છે.
ખાતરની ઉપલબ્ધતા અંગે જણાવ્યું હતું કે, રવિ સિઝન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 5,99,405 મેટ્રિક ટન યુરિયા અને 1,75,394 મેટ્રિક ટન DAP સપ્લાય કરવામાં આવ્યું છે.
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 72,450 મેટ્રિક ટન યુરિયા વધુ સપ્લાય કરવામાં આવ્યું છે. વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્યમાં DAPના કુલ વિતરણના આંકડા પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે.
મંત્રીએ કહ્યું હતું કે, માત્ર ડિસેમ્બર મહિનાના પ્રથમ 15 દિવસમાં જ કુલ 1,79,125 મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યું છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને લઈને આગામી 15 દિવસમાં વધુ 1,41,875 મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ 3,40,696 મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.

