એમએસએમઇ યુનિટ ચાલુ કરવા ૯૯ લાખની લોન ક્વોટેશન ઉપર મંજૂર કરાવી મશીનરી સપ્લાયર સાથે ઠગાઈ કરી
Rajkot,તા.23
એમએસએમઇ યુનિટ ચાલુ કરવા ૯૯ લાખની લોન ક્વોટેશન ઉપર મંજૂર કરાવી મશીનરી સપ્લાયર સાથે કાવતરું કરી લોનના નાણા ખાતામાં જમા આપી છેતરપિંડી આચર્યાની બેંકની ફરિયાદમાં સપ્લાયર શિવ કોર્પોરેશનના માલિકની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગેની ખાસ વિગત મુજબ, ઘંટેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા શાખામાંથી ગાયત્રીબેન એમ. પંડયાએ એમ.એસ.એમ.ઈ. મશીનરીની ખરીદી માટે ટર્મ લોન મેળવવા માટે રીબડાના શિવ કોર્પોરેશન કંપનીનું કવોટેશન સહિતના જરૂરી દસ્તાવેજોના આધારે તા.૧૨/ ૦૭/ ૨૦૨૪ના રોજ લોન મંજુર કરવામાં આવી હતી. જેના સેન્કશન લેટર મુજબ ગાયત્રીબેને શિવ કોર્પોરેશનના કવોટેશન મુજબની મશીનરી ૨મહિનાની અંદર ખરીદ કરીને પેઢીમાં ઇન્સ્ટોલ કરવાની હતી. બાદ બેંક દ્વારા શિવ કોર્પોરેશનના ખાતામાં ત્રણ કટકામાં રૂા.૯૯ લાખની લોનની રકમ જમા આપવામાં આવી હતી. પરંતુ ઉપરોક્ત સમય મર્યાદામાં મશીનરી ઈન્સ્ટોલ નહિ કરતા બેંક મેનેજર નેહા શર્માએ તા. ૧૮/ ૦૧/ ૨૦૨૫ના રોજ ગાયત્રીબેન તેમજ શિવ કોર્પોરેશનને સંબોધીને બેંકના વકીલ મારફત પિયુષ જે. કારીયાએ તા. ૧૧/ ૦૮/ ૨૦૨૫ના રોજ કાયદેસરની નોટિસ પાઠવેલ હતી, જે નોટિસનો શિવ કોર્પોરેશન દ્વારા લેખીત જવાબ આપવામાં આવેલ કે તા. ૨૦/ ૦૧/ ૨૦૨૫ના રોજ ગાયત્રીબેને મશીનરીની ખરીદી કેન્સલ કરેલ છે અને તા.૨૩/ ૦૧/ ૨૦૨૫થી તા.૦૧/ ૦૨/ ૨૦૨૫ સુધીમાં કટકે કટકે રૂા. ૧.૩૨ કરોડનું પેમેન્ટ ગાયત્રીબેનના ખાતામાં પરત જમા કરી આપેલ છે. આ હકીકત જોતા શિવ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ બેંક દવારા લોન પેટે આપવામાં આવેલ ૯૯ લાખનો દુરઉપયોગ કરી આ રકમ બેંકમાં પરત જમા કરાવવાને બદલે ગાયત્રીબેનના પર્સનલ ખાતામાં જમા કરાવી દુરઉપયોગ થયેલાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બેંકના મેનેજર નેહા શર્મા દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા શિવ કોર્પોરેશનના માલીક હરેશભાઈ દવેએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સરકારી વકીલ તથા મુળ ફરિયાદીના વકીલે ધારદાર દલીલો અને દલીલના સમર્થનમાં અનેક દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ રાખેલ. જેથી બન્ને પક્ષોની દલીલના અંતે એડિશનલ સેશન્સ જજ ડી.એસ.સીંઘે આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી. સરકાર તરફે વકીલ સમીરભાઈ ખીરા અને મુળ ફરીયાદી વતી વકીલ પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, ગૌરવ ચૌહાણ, પિયુષ કંડોળીયા, નિપુલભાઈ કારીયા તથા મદદનીશ તરીકે શૈલેષ દાફડા, ગૌતમ સોલંકી, અપેક્ષાબેન રાવલીયા રોકાયા હતા.

