Jamnagar તા.24
જામનગરમાં ધાંચીવાડ વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર હુમલો કરતા દોડધામ મચી ગઇ હતી. જૂની અદાવતનું વેર વાળવા માટે યુવાન પર હુમલો કરાયો હોવાના આરોપ સાથે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પ્રકરણની વિગત અનુસાર જામનગરમાં ધાંચીવાડ વિસ્તારમાં રહેતા અને નોનવેજનો વેપાર કરતા જકવાનભાઈ બસીરભાઈ માડકીયા નામના 27 વર્ષના ઘાંચી વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવા અંગે શરીફભાઈ તારીફભાઈ બુખારી અને તારીફભાઈ બુખારી નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી યુવાન અને આરોપી શરીફ સાથે અગાઉ સામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી, જે વાતનું મનદુ:ખ રાખીને ગઈકાલે આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

