Ankara,તા.૨૪
લિબિયા માટે આ સમય ખૂબ જ દુઃખદ છે. કારણ કે તુર્કીની રાજધાની અંકારાથી ઉડાન ભર્યા બાદ એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં લિબિયામાં આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતના કારણે લિબિયામાં હાહાકાર મચી ગયો છે. લિબિયાના પીએમ અબ્દુલ હામિદ દબીબાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ એક ’મોટી ત્રાસદી’ છે.
અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન દબીબાએ તેને એક મોટી દુર્ઘટના ગણાવી છે અને કહ્યું કે, આ ક્રેશ મંગળવારે થયો, જ્યારે અધિકારીઓ તુર્કીના પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, “આ મોટી ત્રાસદી દેશ, મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ અને તમામ લોકો માટે એક ખૂબ જ મોટું નુકસાન છે, કારણ કે અમે એવા લોકોને ગુમાવ્યા છે જેમણે ઈમાનદારી અને નિષ્ઠાથી પોતાના દેશની સેવા કરી અને શિસ્ત, જવાબદારી અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ હતા.”
વડાપ્રધાન દબીબાએ વધુમાં કહ્યું કે, આ ક્રેશમાં માર્યા ગયેલા અન્ય લોકોમાં ગ્રાઉન્ડ ફોર્સે ચીફ ઓફ સ્ટાફ, અલ-ફિતૌરી ગરીબિલ, મિલિટરી મેન્યુફેક્ચરિંગ ઓથોરિટીના ડાયરેક્ટર મહમૂદ અલ-કતાવી, અલ-હદાદના સલાહકાર મુહમ્મદ અલ-અસાવી દિયાબ અને એક મિલિટરી ફોટોગ્રાફર મુહમ્મદ ઉમર અહેમદ મહજૂબ સામેલ હતા.
આ દુર્ઘટનાને લઈ તુર્કીના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, ક્રેશમાં ઘણા લોકોના મોત થયા અને જણાવ્યું કે, દુર્ઘટના પહેલા એરક્રાફ્ટે ઇલેક્ટ્રિકલ ખામીનો રિપોર્ટ કર્યો હતો, આટલું જ નહીં ઇમરજન્સી લેન્ડિંગ માટે પણ માંગ કરી હતી. તેમને ઈમરજન્સી લેન્ડિંગ માટે કહેવામાં આવ્યું હતું. તુર્કીના એક અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું કે, શરૂઆતના રિપોર્ટમાં લિબિયાના આર્મી ચીફના પ્લેન ક્રેશમાં કોઈ પણ પ્રકારની તોડફોડની વાત નકારી કાઢવામાં આવી છે. શરૂઆતના કારણોમાં ટેકનિકલ ખામી છે. જો કે, યોગ્ય રીતે તપાસ કર્યા બાદ સ્થિતિ ક્લિયર થશે કે, આ દુર્ઘટના કેવી રીતે બની, શું આની પાછળ કોઈ ષડયંત્ર છે? કારણ કે લિબિયા અને તુર્કીના સંબંધો ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે.
તુર્કીના ઈન્ટીરિયર મિનિસ્ટર અલી યેરલિકાયાએ ઠ પર લખ્યું કે, અંકારાના એસેનબોગા એરપોર્ટથી ત્રિપોલી જવા રવાના થયેલા બિઝનેસ જેટનો કાટમાળ તુર્કી જેન્ડરમેરીને હેમાના જિલ્લાના કેસિક્કાવાક ગામથી લગભગ બે કિલોમીટર દક્ષિણમાં મળી આવ્યો છે. લિબિયાના આર્મી ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદે તેમના પ્રવાસ દરમિયાન તેમના કાઉન્ટપાર્ટ અને મિલિટરી કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી.

