સાથે સાથે આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાઇટ ગાર્ડ ઘાયલ થયા હતા, આ ઘટનાએ સુરક્ષા તંત્રને વધુ સતર્ક બનાવી દીધું
Turkey,તા.૩૦
નવું વર્ષ નજીક આવતા તુર્કીની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે. ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા સંભવિત આતંકી હુમલાની માહિતી મળ્યા બાદ તુર્કી પોલીસે રાજધાની અંકારા, ઇસ્તાંબુલ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક છાપેમારી હાથ ધરી, જેમાં ૧૦૦થી વધુ શંકાસ્પદ આતંકીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ શંકાસ્પદ લોકો નવા વર્ષની ઉજવણી દરમિયાન દેશમાં અશાંતિ ફેલાવવાની યોજના બનાવી રહ્યા હતા. આ માહિતી મળતાની સાથે જ તુર્કીની સરકાર અને સુરક્ષા દળો એલર્ટ પર આવી ગયા અને અનેક સ્થળોએ એકસાથે કાર્યવાહી શરૂ કરી.
ઉત્તર-પશ્ચિમ તુર્કીના યાલોવા પ્રાંતમાં એક દિવસ અગાઉ થયેલી ગંભીર અથડામણ બાદ આ કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. એક ગુપ્ત માહિતીના આધારે પોલીસ એક ઘરમાં છુપાયેલા આતંકીઓ સુધી પહોંચી હતી, જ્યાં ગોળીબાર શરૂ થયો. આ અથડામણમાં તુર્કી પોલીસના ત્રણ અધિકારીઓ અને આઈએસના છ આતંકીઓ માર્યા ગયા હતા. સાથે સાથે આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાઇટ ગાર્ડ ઘાયલ થયા હતા. આ ઘટનાએ સુરક્ષા તંત્રને વધુ સતર્ક બનાવી દીધું, કારણ કે આશંકા હતી કે આતંકીઓ ક્રિસમસ અને નવા વર્ષની ભીડનો લાભ લઈને હુમલો કરી શકે.
ઇસ્તાંબુલના મુખ્ય અભિયોજક કાર્યાલયે માહિતી આપી કે મંગળવારે ઇસ્તાંબુલ સહિત બે અન્ય પ્રાંતોમાં કુલ ૧૧૪ અલગ-??? સ્થળોએ એકસાથે છાપા મારવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન ૧૧૦ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક શંકાસ્પદો યાલોવામાં પોલીસ પર હુમલો કરનાર આતંકીઓ સાથે સીધા જોડાયેલા હતા, જ્યારે કેટલાક પર નવા વર્ષની આસપાસ સંભવિત હુમલાની યોજના ઘડવાનો આરોપ છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કસ્ટડીમાં લીધેલા અનેક લોકો ધાર્મિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઓની આડમાં દાન એકત્ર કરતા હતા અને તે રકમ સીરિયામાં સક્રિય ઇસ્લામિક સ્ટેટના નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હતી. તુર્કી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે, જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

