Ahmedabad,તા.01
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ફ્લાવર શૉનું મનમોહક આયોજન
- જગ્યા: સરદારબ્રીજથી એલિસબ્રીજની વચ્ચે પશ્ચિમબાજુએ સાબરમતી રિવરફ્રન્ટમાં ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં
- વિસ્તાર: ટોટલ 73000 સ્કે.મીટર એરિયાની અંદર ફ્લાવર શૉનું આયોજન
- થીમ: આ વખતનું ફ્લાવર શૉનું શીર્ષક છે ભારત એક ગાથા
- તારીખ: 1થી 25 જાન્યુઆરી સુધી
- સમય: સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી
- 167થી વધુ સ્કલ્પચર્સ: દિવાળીની ઝલક, ગરબાની થીમનું ખાસ ધ્યાન (બંનેને ઇન્ટેન્જીબલ હેરિટેજ તરીકે યુનેસ્કોમાં માન્યતા પ્રાપ્ત છે)
- 10 લાખથી વધુ ફૂલછોડ: કુલ 48 પ્રકારના અલગ અલગ ફ્લાવરની જાતનો ઉપયોગ, ભારતીય વાતાવરણ અનુકૂળ આવે તેનું ખાસ ધ્યાન
- મેન પાવર: સ્કલ્પચરની એજન્સી, સફાઈ કર્મચારી, ઈલેક્ટ્રિક વિભાગ, પાણી વિભાગ મળીને ચાર હજારની વધુ કારીગરો/મજૂરની મહેનત
- સુરક્ષા: લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને રિયલ ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ હશે.

