New Delhi તા.6
આધાર સાથે સંકળાયેલી સેવાઓને સરળ, સુરક્ષિત અને પુરી રીતે ડિજીટલ બનાવવાની દિશામાં ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઈડીએઆઈ) દ્વારા તૈયાર એપ ટુંક સમયમાં લોન્ચ થઈ રહી છે.
આધારધારકોએ હવે પોતાનું નામ, પતા અને મોબાઈલ નંબર જેવા જરૂરી અપડેટ માટે આધાર સેવા કેન્દ્રોના ચકકર નહીં લગાવવા પડે. નવું આધાર મોબાઈલ એપ 27થી30 જાન્યુઆરી દરમિયાન અધિકૃત રીતે લોન્ચ કરવાની તૈયારી છે.
એપનું ટ્રાયલ ફેજ લગભગ પુરું થઈ ગયું છે અને પ્રારંભીક પ્રતિક્રિયા ઘણી સકારાત્મક રહી છે. ટ્રાયલ દરમિયાન જ એન્ડ્રોઈડ ફોન એપને 50 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂકયા છે. એપને આઈઓએ પર પણ મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી રહી છે.
દેશમાં આધાર હવે બેન્કીંગ, મોબાઈલ કનેકશન, સરકારી સબસીડી અને અનેક યોજનાઓની ઓળખનું મહત્વનું માધ્યમ બની ચૂકયું છે, પરંતુ સમયની સાથે લોકોના મોબાઈલ નંબર બદલવા, સરનામું બદલવું કે નામમાં સુધારો જેવી જરૂરિયાતો બહાર આવે છે. 12 ભાષામાં ઉપલબ્ધ આધારમાં ફેરફારની બધી જરૂરી સુવિધાઓ પ્રદાન કરશે.
નવા આધાર એપમાં કોન્ટેકટ કાર્ડ જનરેટ કરવાની સુવિધા પણ અપાઈ છે. કયુઆર કોડ શેર કરવા કે સ્કેન કરાવવા પર નામ અને મોબાઈલ નંબરની જાણકારી શેર કરી શકાશે.
આ ઉપરાંત આધાર ધારક ફેસ ઓથેન્ટીકેશનથી સીધા પોતાના મોબાઈલથી નંબર અપડેટ કરી શકશે. તેના માટે 75 રૂપિયાની ફી ઓનલાઈન જમા કરાવવી પડશે, જે મોબાઈલથી જ યુપીઆઈના માધ્યમથી જમા કરી શકાય છે.
યુઆઈડીએઆઈ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારી કહે છે કે હવે ફેસ ઓથેન્ટીકેશનની ઉચ્ચ ટેકનીક આવી ગઈ છે. જેમાં કોઈપણ પ્રકારની ગરબડની શકયતા નથી. કારણ કે મોબાઈલ નંબર ખૂબ જ સંવેદનશીલ મામલો છે, આધારમાં નોંધાયેલ મોબાઈલ નંબર સાથે જ બધી સેવાઓ જોડાયેલી છે.

