Rajkot, તા.26
14 વર્ષના સગીર દ્વારા ગર્ભવતી બનેલી 14 વર્ષની તરૂણીએ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે શિશુનું મોત થતા પરિવારે બારોબાર અંતિમ વિધિ પણ કરી નાખી હતી. જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને રાજકોટના રામનાથપરા સ્મશાનમાં દફનાવેલ બાળકીનો મૃતદેહ પોલીસે બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો હતો. સગીરા અને આરોપી સગીર બંને મૂળ દાહોદના વતની છે. બંનેના પરિવાર ઉપલેટા પંથકમાં ખેત મજૂરી કરે છે. આરોપીને પોલીસે અટકમાં લીધો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, ઉપલેટા પંથકમાં પરિવાર સાથે રહી વાડી વિસ્તારમાં મજૂરી કરતી 14 વર્ષથી સગીરાનો સગીર સાથે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત આગળ વધતા પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
સગીર સગીરાનું અપહરણ કરી ગયો હતો. શરીર સંબંધ બાંધી તરૂણીને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીર સાથે રહેતી સગીરાને પેટમાં દુખાવો થતાં સારવાર અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેણી ગર્ભવતી હોવાનું અને સાત માસનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી હતી.
અધૂરા માસે સગીરાએ 4 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. શિશુનું વજન માત્ર 1 કિલો 300 ગ્રામ હતું. જેથી જુનાગઢ સિવિલ માંથી શિશુને રાજકોટ સિવિલમાં ઝનાના હોસ્પિટલમાં રીફર કરાયું હતું. અત્રે ટૂંકી સારવાર બાદ 4 દિવસના શિશુનું મોત નીપજ્યું હતું.
બીજી બાજુ ઉપલેટા પોલીસની ટીમે સગીર વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. આ તરફ કોઈને જાણ કર્યાં વગર જ નવજાત શિશુને રાજકોટના રામનાથપરા સ્મશાનમાં દફનાવી દેવાયું હતું. આ અંગે જાણ થતા પોલીસ અને મામલતદાર સાહિતની ટીમ સ્મશાને દોડી જાય નવજાત શિશુનો મૃતદે બહાર કાઢ્યો હતો અને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્યો હતો.