Rajkot, તા.22
રાજકોટની ભાગોળે આવેલ બેડી હડમતીયા ગામ નજીકના રાજગઢ ગામમાં કુંવામાંથી પાણી સીંચતી વખતે પગ લપસતા કુંવામાં પડેલ 27 વર્ષીય પરણીતા હેતલબેન સુરાણીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પાંચ વર્ષ અને 3 વર્ષના બે દીકરાઓ મા વિહોણા થતા પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો. ઘટના અંગે મળતી વિગત મુજબ, હેતલબેન સુરેશભાઈ સુરાણી(ઉં. વ.27) રાજગઢ ગામે આવેલ વાડીમાં પરિવાર સાથે રહેતા હતા.
ગઈકાલે રાત્રે 9:00 વાગ્યા આસપાસ તેઓ પોતાની વાડીએ કુંવામાંથી પાણી સિંચતા હતા આ દરમિયાન તેમનો પગ લપસતા કુવામાં અંદર પડી ગયા હતા. પરિવારજનોને જાણ થતા આસપાસના ખેડૂતોને બોલાવી હેતલબેનને બહાર કાઢેલ હતા અને 108 માં જાણ કરાઈ હતી. જોકે, 108 ના ઇએમટી અક્ષયભાઈ બાંભણીયાએ જોઈ તપાસી ઘટના સ્થળે જ હેતલબેનને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ કુવાડવા રોડ પોલીસને કરાતા હેડ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈ રાઠોડ તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જરૂરી કાગળ કાર્યવાહી કરી હેતલબેનના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પૂછપરછ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, હેતલબેનના માતા પિતા પિયરના સભ્યો રાજકોટના વૈશાલીનગરમાં રહે છે.
હેતલબેન બે ભાઈ એક બહેનમાં નાના હતા. એટલે કે બે ભાઈના એકના એક બહેન હતા. તેમના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં પાંચ વર્ષ અને ત્રણ વર્ષના બે દીકરા છે આ કરુણ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.