Mumbai,તા.12
શેરબજારમાં બેતરફી વધઘટની સ્થિતિ વચ્ચે પ્રાયમરી માર્કેટમાં જબરદસ્ત ધમધમાટ જળવાયેલો છે અને તેમાં એક સૂચક ઘટનાક્રમ જવેલરી કંપનીઓના આઈપીઓની હારમાળા છે. આવતા મહિનાઓમાં 10 જેટલી જવેલરી કંપનીઓ આઈપીઓ સાથે માર્કેટમાં પ્રવેશવાની તૈયારીમાં છે.
જવેલરી કંપનીઓ એકાએક મૂડીબજાર- આઈપીઓ તરફ કેમ આકર્ષાય? તે વિશે ઈન્વેસ્ટરો ઉપરાંત નાના-મોટા જવેલર્સોમાં પણ અનેકવિધ ચર્ચા થવા લાગી છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંકર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે આવતા 3-6 મહિનામાં 10 જેટલી જવેલરી કંપનીઓના આઈપીઓ આવવાની શકયતા છે. અમુક કંપનીઓએ આઈપીઓ ડોકયુમેન્ટ સેબી સમક્ષ રજુ પણ કરી દીધા છે તેમાં પી.એન.ગાડગીલ, ગ્રુપની રેવા ડાયમંડ જવેલરી, ચેન્નઈ સ્થિત લલિથા જવેલરી, મુંબઈ સ્થિત પ્રાયોરિટી જવેલર્સનો સમાવેશ થાય છે.
આ સિવાય આઈપીઓ માટેની પ્રક્રિયા શરૂ કરનાર કંપનીઓમાં રિધ્ધિસિધ્ધિ બુલીયન, નાગપુરની રોકડે જવેલર્સ, શંકેશ જવેલર્સ, સ્વર્ણશિલ્પ ચેઈન એન્ડ જવેલર્સ, રોયલ ચેઈન્સ તથા વામન હરિપેથેનો સમાવેશ થાય છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંકરોના કહેવા પ્રમાણે આર્થિક વિકાસદર ભલે સંતોષજનક હોય છતા એકંદરે ક્ધઝયુમર માર્કેટ નબળુ છે. આવા આર્થિક પાસામાં પણ કેટલાંક માર્કેટ મજબૂત છે અને તેમાં જવેલરીનો સમાવેશ થાય છે.
જવેલરી કંપનીઓને સોનાના ઉંચા ભાવ તથા મોટી વધઘટની સ્થિતિમાં ધિરાણ મેળવવામાં પ્રમાણમાં મુશ્કેલી છે અને તેને કારણે કંપનીઓ પ્રાયમરી માર્કેટમાંથી નાણાં મેળવવાનુ પસંદ કરવા લાગી છે.
સોના તરફ લોકોનો મોહ છે જ. આ ક્ષેત્ર સતત વિકાસ પામતુ હોવાથી ઈન્વેસ્ટરો પણ નાણાંકીય રોકાણ કરતા અચકાતા નથી. આમેય પ્રાયમરી માર્કેટમાં ધમધમાટ છે. ગોલ્ડ કંપનીઓમાં રિટર્ન ભાવ સારા છે એટલે ઈન્વેસ્ટરોનું રોકારમાં આકર્ષણ છે.
જવેલરી કંપની બ્લુસ્ટોનનો 820 કરોડનો આઈપીઓ અત્યારે ચાલી જ રહ્યો છે. રેવા ડાયમંડનો આઈપીઓ 450 કરોડનો હતો જયારે બાકીની કંપનીઓ 1000 થી 5000 કરોડનો આઈપીઓ લાવવાની ગણતરીમાં છે.
જવેલરી કંપનીઓના સૂત્રોએ પણ સ્વીકાર્યુ કે કાર્યકારી મૂડી તથા નાણાં એકત્રીકરણમાં આઈપીઓ મહત્વનો વિકલ્પ બની ગયો છે. જવેલરી ઉદ્યોગ મોટાભાગે અસંગઠીત હોવા છતાં કેટલાંક વખતથી માળખાગત બનવા લાગ્યો છે છતાં પરંપરાગત ધિરાણ હજુ પડકારજનક જ છે. આઈપીઓ મારફત નાણાં એકત્રીત કરીને ધંધામાં નવી કાર્યકારી મૂડી ઠલવવા તથા ધંધાકીય વિસ્તરણ માટે સરળ માર્ગ છે.
તેઓના કહેવા પ્રમાણે બેંક ફાઈનાન્સ મેળવવામાં પણ અનેક અવરોધો રહે છે. અનેક કંપનીઓ પાસે ડાયમંડ તથા સોનાનો મોટો સ્ટોક છે. ભાવમાં મોટી વધઘટને પગલે વારંવાર તપાસનો સામનો કરવો પડે છે.