Vadodara,તા.19
વડોદરાના ફતેગંજમાં બુટલેગરો વચ્ચે થયેલી હિંસક અથડામણ પહેલા એક યુવકને હરીશ ઉર્ફે હેરી તથા તેના સાગરીતોએ મારમારી તલવારથી હુમલો કર્યો હતો. જે અંગે મોડે મોડે સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગરોડની દાજીનગર સોસાયટીમાં રહેતા રવિ દેવજાનીએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 17મી તારીખે રાતે 10:30 વાગ્યે હું આરટીઓ સર્કલ વારસિયા પાસેથી પસાર થતો હતો. ત્યારે મારા મિત્રો હિમાંશુ ઉર્ફે હેરી તથા કુણાલ સોલંકીએ મને રોકીને કહ્યું કે તું મારી સાથે શિવધારા ફ્લેટ ચાલ અમે તારી સાથે ગદ્દારી નહીં કરીએ તથા કોઈ ખોટું કામ નહીં કરીએ તું પણ અમારો ભાઈ જે છે. તેઓ મને શિવ ધારા ફ્લેટ લઈ ગયા હતા ત્યાં વિવેક કેવલ રામન તથા અનિલ ઉર્ફે બોબડો બુધવાણી પણ હતા. આ ચારેય ભેગા થઈને મને ઘેરી લઈ હુમલો કર્યો હતો. હેરીએ કહ્યું હતું કે તારો માણસ મારી ગાડી દાવત હોટલ કપૂરાઈ ચોકડીથી લઈ ગયો છે ત્યારબાદ કુણાલે તેના ઘરેથી તલવાર લઈને આવી હેરીને આપી મારા પર હુમલો કર્યો હતો. જેમાં તલવારથી મારા ડાબા હાથે ખભા તથા કોણીના ભાગે ઈજા પહોંચી હતી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.