Rajkot,તા.૧૭
Rajkot શહેરના વ્યસ્ત જામટાવર ચોક વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલા પોતાના પુત્ર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મૃતકની ઓળખ શહેનાઝબેન દલ તરીકે થઈ છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમના પુત્રને પણ ઇજા પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બેદરકારીભર્યા વાહનચાલનને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

