Rajkot તા.૧૫
શહેરમાં ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવક પર હુમલો કરી શરીર પર કાટ-મશ લગાડી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગાયકવાડી શેરી નં. ૫ માં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં, સુરેશ પાન પાસે રહેતા સંદીપ રાજેશભાઈ કુવાડિયા (ઉં ૧૯) તેના ઘર પાસે જ પકો રઘુ વાજલિયા નામના શખ્સે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, હોસ્પિટલના બિછાને સંદીપે જણાવ્યું હતું કે, તે આરોપી પકા પાસે દારૂ લેવા માટે ગયો હતો. સંદીપે દારૂ માંગતા આરોપી પકાએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, ‘‘અહીંથી વયો જા…‘‘ આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો વકરતા ઉશ્કેરાયેલા આરોપીએ સંદીપ પર ઈંટ વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપીએ ક્રૂરતાની હદ વટાવી સંદીપને પકડી તેના શરીર પર કાળી કાટ-મશ લગાડી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇજાગ્રસ્ત સંદીપ તેના પરિવારમાં ત્રણ ભાઈ અને ચાર બહેનોમાં વચલો (વરચેટ) ભાઈ છે અને તે ભંગાર વીણવાનું કામ કરે છે. હાલ પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

