એક પંજાબી વેબ ચેનલ સાથેનો વીડિયો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હોવાનો ખુલાસો કર્યો છે
Chandigarh તા.૯
પંજાબના સુનૌર વિધાનસભાના આમ આદમી પાર્ટી (છછઁ)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા બીજી સપ્ટેમ્બરથી દુષ્કર્મના કેસમાં ફરાર છે. લાંબા સમયથી પોલીસની પકડથી દૂર રહેલા આ ધારાસભ્યનો હવે ઓસ્ટ્રેલિયા સ્થિત એક પંજાબી વેબ ચેનલ સાથેનો વીડિયો ઇન્ટરવ્યુ સામે આવ્યો છે, જેમાં તેણે ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનાએ પંજાબ પોલીસની કાર્યક્ષમતા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી.
ઓસ્ટ્રેલિયાથી આપેલા આ વીડિયો ઇન્ટરવ્યુમાં હરમીત સિંહ પઠાણમાજરાએ અનેક મોટા દાવા કર્યા હતા. તેણે દાવો કર્યો કે, ’જામીન મળ્યા પછી જ ઘરે પરત ફરશે.’ આ ઉપરાંત પોતાની સામેના તમામ દુષ્કર્મના આરોપોને નકારી કાઢ્યા હતા અને આ કેસને રાજકીય ષડયંત્ર ગણાવ્યો હતો.
ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા દાવો કર્યો છે કે, ’આ કેસ પંજાબના લોકોના અવાજને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે. પંજાબમાં મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મહત્ત્વપૂર્ણ બાબતો પર સલાહ લેવામાં આવતી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં હાર્યા પછી તે નેતાઓએ હવે પંજાબ પર કબજો જમાવી લીધો છે અને તે જ રીતે તેને બરબાદ કરી રહ્યા છે.’ પટિયાલા કોર્ટે દુષ્કર્મ કેસમાં સતત ગેરહાજર રહેવા બદલ હરમીત સિંહ પઠાણમાજરા સામે જાહેર ગુનેગાર તરીકે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, પંજાબ પોલીસે અગાઉ હરિયાણાના કરનાલમાં તેની ધરપકડ કરવા દરોડા પાડ્યા હતા, પરંતુ પહેલી વાર ધારાસભ્ય બનેલા પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હોવાના અહેવાલો હતા. તેમના ઓસ્ટ્રેલિયા ભાગી જવાથી હવે તેમની ધરપકડ પ્રક્રિયા વધુ જટિલ બની છે.
પટિયાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં સનોરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઝીરકપુરની એક મહિલાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં મહિલાએ આરોપ લગાવવામાં આવ્યો હતો કે,ધારાસભ્યએ પોતાને છૂટાછેડા લીધેલા હોવાનો દાવો કરીને મારી સાથે સંબંધ બાંધ્યો હતા અને ૨૦૨૧માં મારી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે પહેલાથી જ પરિણીત હતો. મહિલાએ ધારાસભ્ય પર જાતીય શોષણ, ધમકી આપવા અને અશ્લીલ સામગ્રી મોકલવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં હરમીત સિંહ પઠાણમાજરા સામે ભારતીય દંડ સંહિતા ની કલમ ૩૭૬ (દુષ્કર્મ), ૪૨૦ (છેતરપિંડી) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

