Ahmedabad, તા.14
નર્મદા જિલ્લા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી જામીન અરજીની સુનાવણી આગામી તા.28 ના રોજ રાખવામાં આવી છે.
આ કેસના ફરિયાદી સંજય વસાવાના વકીલ દ્વારા સમયની માગણી કરવામાં આવતા કેસમાં મુદત પડી હતી. આમ ધારાસભ્યને આગામી તહેવારોના દિવસો હજુ જેલમાં જ ગાળવા પડશે.
ઉલ્લેખનીય છે કે મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
કેસમાં ફરિયાદના આક્ષેપો મુજબ, થોડા દિવસો પહેલાં ડેડિયાપાડા પ્રાંત ઓફિસરની કચેરી ખાતે એટીવીટીની મળેલી બેઠકમાં સરકારી અધિકારીઓ, હોદ્દેદારો ઉપરાંત આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા.
એ વખતે કમીટીમાં તેમના સભ્યોનો સમાવેશ નહી થતાં ચૈતર વસાવાએ ઉશ્કેરાઇ જઇ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ગાળો આપી હતી અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને કાચનો ગ્લાસ છુટ્ટો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવને લઇ સંજય વસાવાએ ડેડિયાપાડા પોલીસમથકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૃદ્ધ એફઆઇઆર દાખલ કરાવી હતી. જે ગુનામાં પોલીસે બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.