Amreli,તા.01
રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.વિગત મુજબ, રાજુલા નજીક હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.