Srinagar ર તા.15
ફરીદાબાદ-ગુજરાતમાંથી પકડાયેલા મોતના સામાન તથા દિલ્હી બ્લાસ્ટનાં પડઘા હજુ થમ્યા નથી ત્યાં કાશ્મીરનાં શ્રીનગરમાં નૌગામ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક પ્રચંડ વિસ્ફોટ થતા પોલીસ ઈન્સ્પેકટર સહીત 9 લોકોના મોત નીપજયા હતા. જયારે 32 લોકો ઘાયલ થયા હતા.
ફરીદાબાદમાંથી પકડાયેલા એમોનીયા નાઈટ્રેટની ચકાસણી કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક ભયાનક ધડાકા શરૂ થઈ ગયા હતા.પોલીસ સ્ટેશન સંકુલ તથા આસપાસ પડેલા વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા.
સુરક્ષા સુત્રોએ કહ્યું કે, તાજેતરમાં કાશ્મીર પોલીસે પકડાયેલા ષડયંત્ર અંતર્ગત ફરિદાબાદમાંથી 2940 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરવામાં આવ્યુ હતું અને શ્રીનગરનાં નૌસેના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યુ હતું. ગઈરાત્રે સરકારી તંત્ર દ્વારા તેનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું અને તે દરમ્યાન એકાએક ભયાનક વિસ્ફોટ શરૂ થઈ ગયા હતા.
આ આકસ્મિક વિસ્ફોટ વખતે પોલીસ ઉપરાંત એફએસએલ તથા રેવન્યુ અધિકારીઓ સહીત 50 જેટલા લોકોનો સરકારી સ્ટાફ મૌજુદ હતો.ફોટાગ્રાફી તથા વીડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. એટલે ફોટોગ્રાફર-વિડીયોગ્રાફી પણ મૌજુદ હતા. 9 લોકોના મોત નીપજવા ઉપરાંત 32 ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફરીદાબાદમાંથી પકડાયેલ વિસ્ફોટકોમાંથી 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ એફએસએલ લેબમાં મોકલાયુ હતું. જયારે બાકીનો જથ્થો નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યુ હતું તેમાં આ વિસ્ફોટ થયો હતો.
મધરાત્રે પોલીસ સ્ટેશનમાં ભયાનક ધડાકા તથા આગની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો હતો.અફડાતફડીની સ્થિતિ ઉભી થઈ હતી. આતંકી હુમલાની શંકા-અટકળો પણ વ્યકત થવા લાગી હતી અને લાંબા વખત પછી આ ઘટના આકસ્મિક હોવાનું જાહેર કરવામાં આવ્યુ હતું.
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ 16 કિલોમીટર દુર હોસ્પિટલ સુધી સંભળાયો હતો ઉપરાંત આસપાસની ઈમારતોનાં બારી-દરવાજાનાં કાચનો પણ ભાંગીને ભૂકકો થઈ ગયો હતો.ધડાકા બાદ સમગ્ર પોલીસ સ્ટેશન તથા આસપાસ પડેલા વાહનો પણ આગની ઝપટમાં જોવા મળ્યા હતા. પોલીસ સ્ટેશન આખુ રાખ થઈને કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું.
કાશ્મીર પોલીસ દ્વારા સતાવાર રીતે એવુ જાહેર કરવામાં આવ્યુ હતું કે વિસ્ફોટ એક દુર્ઘટના જ હતી અને તેમાં કોઈ આતંકવાદી હાથ નથી. આ દુર્ઘટના બાદ પોલીસ સીઆરપીએફ સહિતના સરકારી વિભાગોનાં તમામ સીનીયર અધિકારીઓ દોડી ગયા હતા. આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો.
દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના મૃતદેહોના ટુકડા થઈ ગયા હોય તેમ 200 મીટર દુરથી શરીરનાં અંગો મળ્યા હતા.
એક કલાક સુધી સતત ધડાકાને કારણે બચાવ ટીમો પણ પ્રવેશી ન શકી
સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર આ વિસ્ફોટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઊડ્યા હતા. એના પછી એક પછી એક નાના-મોટા વિસ્ફોટને કારણે રાહત બચાવ ટુકડીને અંદર સુધી પ્રવેશ કરવામાં લગભગ એક કલાકથી વધુ સમય લાગી ગયો હતો.
આ ભયાનક ધમાકો ત્યારે થયો જ્યારે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવેલા વિસ્ફોટક સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ કરી રહી હતી.
આ વિસ્ફોટક સામગ્રી (જેમાં મોટાભાગે એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો હતો) તાજેતરમાં જ એક `વ્હાઇટ-કોલર’ આતંકી મોડ્યુલના પર્દાફાશ દરમિયાન હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરવામાં આવી હતી.

