ટાસ્ક પુરા કરી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરવા મામલે ધોરાજીના હિતેશ ગોહેલની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ
Rajkot,તા.22
ઓનલાઇન ટાક પૂરા કરી પૈસા કમાવાની લાલચ આપી રૂ. 50.89 લાખની ઠગાઈના ગુનામાં ધોરાજીના એકાઉન્ટ હોલ્ડરની સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મોરબી રોડ પર રહેતા અને કોટક સિક્યુરિટીમાં નોકરી કરતા 30 વર્ષીય યુવક જયમીન પરસાણાએ ગત તા.09-10-2024 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના વોટ્સઅપ નંબર પર અજાણ્યા નંબરથી એક મેસેજ આવેલ હતો. જેમાં ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવા માટે ઓફર કરવામાં આવી હતી અને સાથે ટેલિગ્રામની એક લિંક પણ આપવામાં આવી હતી. જે લિંક ખોલતા એક ટાસ્ક સામે આવ્યો હતો જે ટાસ્ક પૂર્ણ કરતા યુવાનને પ્રથમ રૂ. 210 મળ્યા હતા. જે બાદ વિશ્વાસ બેસી જતાં તે લિંકમાં આગળ વધતા પૈસાનું રોકાણ કરી ટાસ્ક પૂર્ણ કરતા ઉંચું વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. જેમાં ફસાઈને યુવકે કટકે કટકે રૂ. 50,89,948 નું રોકાણ કર્યું હતું. જો કે, આં રકમ અને વળતરની રકમ પરત આપવા માટે સામાપક્ષેથી વધુ નાણાંની માંગણી કરવામાં આવતા યુવક પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોય તેવી જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલામાં સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ જે એમ કૈલા અને આર જી પઢીયારની યીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઠગાઈની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે બેંક એકાઉન્ટના ધારકની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કરી હિતેશ ગોવિંદભાઈ ગોહેલ(ઉ.વ.37 રહેમ જમનાવડ રોડ, નવી હવેલી, શિવમ પાનવાળી શેરીઝ ધોરાજી, રાજકોટ) ની ધરપકડ કરી હતી.