Surendranagar ,તા.8
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીએસઆઈ આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે, ખૂનની કોશિશ જેવા ગંભીર બે ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રણધીરસિંહ કુબેરસિંહ ઝાલા (રહે- ઝીંઝુવાડા, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર) હાલ ઝીંઝુવાડા ગામના રામજી મંદિર પાસે ઊભો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી આરોપી રણધીરસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે તે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનની કોશિશ, સરકારી કર્મચારી પર હુમલો વગેરે કલમો હેઠળ તથા અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.