Upleta,તા.21
જામકંડોરણા તાલુકાનાં ગામ દડવી મુકામે વર્ષ-૨૦૨૨ માં આરોપી ચંદુભાઈ ઉર્ફે સંજયભાઈ ગોકળભાઈ મકવાણા અને તેની પત્નિ હંસાબેન ચંદુભાઈ ઉર્ફે સંજયભાઈ મકવાણાએ સાથે મળીને સોનાનાં બુટીયાની લૂટ કરી નાગલબેન નાથાભાઈ ચાવડાનું ખૂન કરી નાંખેલ હોવાની ફરીયાદ મરણ જનારનાં દિકરા ભીખા ઉર્ફે ભરતભાઈ નાથાભાઈ ચાડવાએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આપતા જામકંડોરણા પોલીસે ફરીયાદ નોંધી તેનાં આધારે તપાસ કરી આરોપી દંપતિ વિરૂધ્ધ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ત્યારબાદ આ અંગેનો કેસ ચાલી જતાં આરોપી દંપતિને ધોરાજીનાં મહેરબાન એડિશનલ સેશન્સ જજ એ.એમ. શેખ દ્વારા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.
આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, તા. ૦૬/૦૪/૨૦૨૨ નાં રોજ જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામનાં રસીકભાઈ ગોવિંદભાઈ ચૌહાણએ રાજકોટ રહેતા ફરીયાદી ભરતભાઈને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા નાગલબેન કયાં છે ? જેથી ફરીયાદી ભરતભાઈએ રસીકભાઈને જણાવેલ કે મારી માતા દડવી ગામે જ છે અને જો દડવી નહી હોય તો મારા બહેનનાં ઘરે હશે અને ફરીયાદીએ તેનાં બીજા ભાઈ બહેનોને ત્યાં તપાસ કરી રસીકભાઈને જણાવેલ મારી માતા નાગલબેન ત્યાં નથી જેથી રસીકભાઈએ ફરિયાદી ભરતભાઈને જણાવેલ કે, પોલીસવાળા આપણાં ગામનાં કુવામાંથી મળેલ એક અજાણી મહિલાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે જેથી ફરીયાદી ભરતભાઈ તથા તેનાં બીજા ભાઈઓ રાજકોટ રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં જઈ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા પી.એમ. રૂમમાં મરણ જનારની લાશ પડેલ હોય તે ફરીયાદીની માતા નાગલબેન હોય અને નાગલબેનની લાશમાં કાનનાં સોનાનાં બુટીયા ન હોય અને મરણ જનારનાં ચશ્મા તેમજ મોબાઈલ મળી આવેલ ના હોય અને શરીરે ઓઢણુ ઓઢેલ ના હોય તેવી અકસ્માત નોંધ નંબર ૦૭/૨૦૨૨ થી જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ.
આ બાબત બન્યા બાદ પોલીસે તપાસ કરતા મરણ જનારનાં મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સીમ કાર્ડ ચડાવતા ગુન્હો ડીટેકટ થયેલ અને આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્નિ હંસાબેન મકવાણાએ સોનાનાં બુટીયા લુટવાનાં ઈરાદે મરણ જનાર નાગલબેનને પોતાનાં ઘરે બોલાવી ગળેટુપો આપી ખૂન કરી નાખેલ હોય અને સોનાનાં બુટીયા તથા મોબાઈલ લૂટી લીધેલ અને પુરાવાનો નાસ કરવા નાગલબેનની લાશને ગામનાં પાદરમાં આવેલ અવાવરૂ કુવામાં નાંખી દીધેલ હોય, તે મલતબની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ તા. ૩૦/૦૪/૨૦૨૨ નાં રોજ નોંધવેલ.
આ ફરીયાદ નોંધાયા બાદ પોલીસે મરણ જનારનો મોબાઈલ કબ્જે કરેલ અને ખરેડી ગામનાં સોની દેવચંદભાઈ વેલજીભાઈ એન્ડ સન્સ પાસેથી સોનાનાં બુટીયા કબ્જે કરેલ અને નિવેદનો નોંધી જામકંડોરણા પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી દંપતિ હંસાબેન અને ચંદુભાઈ મકવાણા વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ જે બાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં ફરીયાદી તથા તેનાં ભાઈ બહેનો અને સોની હરેશભાઈ, ડોકટર તથા વોડાફોન અને જીયો કંપનીનાં નોડલ ઓફીસરો તથા અન્ય સાહેદોની જુબાની થયેલ હતી જેમાં આરોપી દંપતિ વિરૂધ્ધ ફરીયાદ મુજબનો એક પણ પુરાવો રેકર્ડ પર આવેલ નહી અને સોની હરેશભાઈને આરોપીએ બુટીયા વેચેલ હોય તેવુ પણ રેકર્ડ ઉપર ફરીયાદ પક્ષ લાવી શકેલ નહીં તેમજ મરણ જનારનાં મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સીમ કાર્ડ ચડાવેલ હોવાનું પણ ફરીયાદપક્ષ રેકર્ડ ઉપર લાવી શકેલ નહી અને ડોકટરની જુબાનીમાં મરણ જનાર નાગલબેન પાણીમાં ડુબીને મરણ ગયેલ હોવાનું રેકર્ડ પર આવેલ નહી.
આ અંગેની તમામ દલીલો તેમજ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ આરોપી દંપતિનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર તરફથી રજુ કરાયેલ અને દલીલોનાં અંતે ધોરાજીનાં મહેરબાન એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખ દ્વારા આરોપી દંપતિ હંસાબેન અને ચદુભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે જેમાં આ કેસમાં આરોપી દંપતિ તરફે તાલુકા કાનુની સેવા સમિતિ-ધોરાજીનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેર રોકાયેલ હતા.