ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચે એ માટે સરકાર વિશાળ રકમ ખર્ચે છે, ત્યારે ગરીબો સુધી અનાજ નથી પહોંચતું
Kheda,તા.23
ગુજરાતમાં સરકારી અનાજના ગેરકાયદેસર વેપારની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતમાં આરોપી તત્ત્વો સરકારી અનાજનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું અવારનવાર સામે આવે છે. ખેડા જિલ્લામાં એવા કાવતરા પર પ્રકાશ પડ્યો છે
જેમાં સરકારી વિતરણ માટેના અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરનારો આરોપી ઝડપાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડાના વસોની ખાનગી દુકાનમાંથી અનાજનો જથ્થો સરકારી બારદાનમાં ભરી અલીન્દ્રા રાઈસ મિલમાં લઈ જવાતો હતો. સરકારી અનાજના અંદાજે ૨૦ કટ્ટા ભરેલા બારદાનમાં ઝડપાયા છે. ત્યારે નાયબ મામલતદાર અને તેમના સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરતાં અનાજનો આખો જથ્થો સીઝ કર્યો હતો.
સામાજિક કાર્યકરને ટેમ્પોમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો શંકાસ્પદ લાગતા પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા.જેમાં નાયબ મામલતદારે બાજરીના અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. અનાજનું સેમ્પલ લઈને પંચનામુ કરવામાં આવ્યું હતું. તો સામાજિક કાર્યકર રાજ પટેલનું નિવેદન લઈને જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના રાજ્યમાં ચાલતા સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને ચિંતાનો વિષય છે. ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચે એ માટે સરકાર વિશાળ રકમ ખર્ચે છે, ત્યારે આવી ગતિવિધિઓના લીધે ગરીબો સુધી અનાજ નથી પહોંચતું
અનાજનો જથ્થો જપ્ત કરીને નાયબ મામલતદારે આરોપી સામે વધુની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ અગાઉ પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં બોટાદના હરણ કુઈ વિસ્તારમાંથી સરકારી અનાજનું પીકઅપ જિલ્લા પુરવઠા વિભાગે ઝડપી લીધું હતું. તેમજ તે બાબતે જિલ્લા પુરવઠા વિભાગે તે અનાજના જથ્થાને પોતાના કબ્જામાં લીધું હતું.ગુજરાતમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે. જેમાં વચેટિયાઓના લીધે સરકારે આપેલ અનાજ ગરીબો સુધી નથી પહોંચી શકતું.