Dhoraji,તા.31
ધોરાજી પંથકમાં રહેતી સગીરાને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ધોરાજી કોર્ટે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા અને ભોગ બનનારને વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે.
ધોરાજી પંથકમાં રહેતી સગીરાને હાર્દિક કરસન પરમાર નામના શખ્સ ધમકાવી પોતાના ઘેર બોલાવતો હતો સગીરા ડરના માર્યા મધરાત્રે આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે તેણીને બદનામ કરવાનો ભય બતાવી અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અરસામાં ભોગ બનનારના ઘરે રાત્રે કોઈ ઉઠી જતા ઘટના અંગેની જાણ થઈ હતી. સગીરાની પૂછપરછમાં તેણીએ આપવીતી વર્ણવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસમાં આરોપી સામે પૂરતા પુરાવા મળતા તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ કરાવવામાં આવ્યો હતો કે ભોગ બનનાર પોતાની મરજીથી પ્રેમ સંબંધ હોવાના નાતે આવતા હતા અને આરોપીએ તેની સાથે કોઈ શરીર સંબંધ બાંધેલો નથી આરોપીના ઘરમા નાની જગ્યા છે અને તેમના પરિવારના લોકો પણ રહેતા હોય આવા સંજોગોમાં ભોગ બનનારનું કથન તાર્કિક રીતે વ્યાજબી જણાતું નથી. અને તેને ખોટી રીતે ફસાવી દેવામાં આવેલા છે. ભોગ બનનારના જન્મ તારીખના દાખલામાં પણ આજ દિન સુધી તેઓનું નામ લખાયેલું નથી. પુરાવો લીધા બાદ આરોપીને પોતાની જાતને નિર્દોષ ઠરાવી છોડી મુકવા માટે દલીલો કરેલી હતી.આ તબક્કે પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે, આરોપી તરફથી ડોક્ટર રૂબરૂ પોતાનું કન્ફેશનલ સ્ટેટમેન્ટ આપેલું છે કે આરોપી ભોગ બનનારને એક વર્ષથી ઓળખતા હતા અને દૂધેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં પણ ભોગ બનનારની મરજીથી શરીર સંબંધ બાંધેલો છે અને ભોગ બનનારની મરજીથી આરોપીએ પોતાના ઘરે પણ શરીર સંબંધ બાંધેલો છે. ભોગ બનનારની ઉંમર માત્ર 15 વર્ષ છે તેણે પોતાનું ભલું બુરુ વિચારી શકે નહીં અને કાયદાની ભાષામાં પણ તે શરીર સંબંધની સહમતી આપવા માટે પરિપક્વ નથી. આ તમામ સંજોગો ધ્યાને લઈ અને સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાને લેવામાં આવે તો આરોપીને તકસીરવાન ઠરાવવો જોઈએ જેવી દલીલો ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સ્પેશિયલ પોકસો જજ અલી હુસેન મોહીબુલા શેખે આરોપી હાર્દિક પરમારને  તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા અને ભોગ બનનારને વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો છે.




