Jamnagar,તા.02
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી એક સગીરાને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો હતો. અને સુરત પંથકમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં અદાલતે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.આ અંગેનો કેસ સ્પે. પોક્સો કોર્ટના જજ વી.પી.અગ્રવાલ સમક્ષ ચાલી જતાં સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલની દલીલો સાંભળ્યા પછી આરોપીને દસ વર્ષની સજા અને રૂ.17 હજારની દંડ, તેમજ ભોગ બનનારને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે કાલાવડમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને તેની પાડોશમાં જ રહેતો અને કૌટુંબિક રવિ ભલાભાઇ સોલંકી (20) સગીરાને લગ્નની લાલચ આપીને તા.26/11/2020 ના ભગાડી લઈ ગયો હતો. અને કાલાવડથી રાજકોટ ત્યાંથી મોરબી ત્યાંથી સુરત અને ત્યાંથી માંડવી લઈ ગયો હતો. જ્યાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર પછી સુરત નજીકના કિમ ગામે સગીરાને લઈ જવામાં આવી હતી અને ત્યાં પણ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી બંને સુરત ગયા હતા. જ્યાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ અંગે કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.