બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી આચર્યું કૃત્ય
Rajkot,તા.17
બેડી ગામે મધરાતે બાઇટિંગ લેવાના બહાને કેન્ટીન સંચાલક મહિલાના ઘરમાં ઘૂસી નિર્લજ્જ હુમલો કરવાના સાડા પાંચ વર્ષ પહેલાના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને રૂપિયા 5,500 દંડ ફટકાર્યો છે.આ કેસની હકીકત મુજબ, ગઇ તા.૦૧/ ૦૮/ ૨૦૧૯ના રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં બેડી ગામ ખાતે નાસ્તા કેન્ટીન ચલાવતા મહિલા કેન્ટીન બંધ કરીને નજીકના પોતાના રહેણાંક રૂમમાં ગયા હતા ત્યારે ગામના સંજય દિનેશભાઈ મકવાણા નામના શખ્સે ચા-નાસ્તાની કેન્ટીનમાંથી બાયટિંગ (સુકો નાસ્તો) આપવાનું જણાવતા, મહિલાએ કેન્ટીન બંધ થઈ ગઈ હોય ના પાડતા સંજયે મહિલાને ગાળો આપી વાંસાના ભાગે તથા છાતી તથા ગળાના ભાગે અડપલા કરી જાતીય સતામણી કરી ભાગી છુટ્યો હોવાના મતલબની મહિલાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કામે તપાસ કરનાર અમલદારે લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી જરૂરી પંચનામા કરી તપાસના અંતે આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો જણાતા સદરહુ કામે આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા તપાસની પોલીસ અધિકાર દ્વારા રજૂ કરેલા કાગળો, તપાસની વિગત તેમજ મદદનીશ સરકારી વકીલ પૂજા એસ. જોષી દ્વારા કરાયેલી રજૂઆતો દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને પાંચમા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર. જગુવાલાએ આરોપી સંજય દિનેશભાઇ મકવાણાને આઇપીસી 354 હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ ને ₹5,000 દંડ ઉપરાંત 448 ના ગુનામાં છ માસની કેદને ₹ 500 દંડ ફટકારી દંડની રકમમાંથી રૂપિયા 5000 ફરિયાદી પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે.