Rajkot. તા.27
ઘંટેશ્વરમાં છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ધમાને એલસીબી ઝોન-2 ની ટીમે દબોચી લઈ કાર્યવાહી કરી હતી. અગાઉના ચોરી બાબતના ઝઘડાનો ખાર રાખી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.
બનાવ અંગે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયામાં રહેતાં કાળુભાઈ ચુનીભાઇ સોલંકીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મેશ ઉર્ફે ધમો રમેશ ગાયજન નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ચાર ભાઇઓ જેમા મોટો પોતે તેનાથી નાનો ભાઈ વિજય ઉર્ફે ભાદો, ત્યારબાદ દિલીપ અને નાનો રાજુ તેના ત્રણેય ભાઇઓ મનહરપુરમા રહે છે.
બનાવ સમયે તેના કાકા લક્ષ્મણભાઈ સોલંકીનો ફોન આવેલ કે, વિજય અહી જામનગર રોડ ઉપર આવેલ મેલડી સરકાર ટી-સ્ટોલની સામેની બાજુ જમીન ઉપર પડેલ છે .
તમે ફટાફટ અહીં આવો, તે તુરંત ત્યાં પહોંચેલ ત્યારે લોકો ટોળુ વળીને ઉભા હતા. તેના કાકા લક્ષ્મણભાઈ 2ડતા રડતા કહેલ કે, વિજયને સુમીત્રાના ઘરવાળા ધર્મેશ ગાયજને અગાઉના ચોરી બાબતેના ઝઘડાનો ખાર રાખી તેનો બદલો લેવા છરીના ઘા મારી મારી નાખ્યો છે. તેના ભાઈના ગળાના ભાગે, માથાના ભાગે, બન્ને હાથે તથા પેટના અલગ અલગ ભાગે છરીના આશરે દસથી બાર ઘા વાગેલાના નિશાન જોવા મળેલ હતા.
જે બાદ બનાવ બાબતે પુછતા તેના કાકાએ જણાવેલ કે, સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાની આસપાસ મારા નાના દિકરાને મે દુકાને ફાકી લેવા માટે મોકલેલ હતો અને થોડીવારમા તે ફાકી લઈને આવેલ અને તેણે મને કહેલ કે સુમીત્રાબેન મને રસ્તામા ભેગા થયેલ હતા અને તેણે કહેલ હતુ કે, ધર્મેશે વિજયને છરીના ઘોદા મારી દિધા છે.
બનાવની ગંભીરતા પારખી બનાવોનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી રાકેશ દેસાઇએ આપેલ સૂચનાથી એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે તપાસ આદરી બનાવ સ્થળ તથા આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝ, ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો રમેશભાઇ ગાયજન (રહે. જામનગર રોડ ઘંટેશ્રવર 25 વારીયા) ને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપી વિરુદ્ધ દારૂના અનેક ગુના નોંધાયેલ હોવાનું પણ ખુલ્યું છે.

